​એક તરફ રાજ્ય સરકાર દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી આપવાના સતત પ્રયત્નોની વાતો થઈ રહી છે, ત્યારે જૂનાગઢ આરોગ્ય વિભાગ ફરી એકવાર ભરતી મુદ્દાને લઈને વિવાદમાં આવ્યું છે, આરોગ્ય વિભાગમાં અલગ અલગ પોસ્ટ માટે જાહેરાત કરવામાં આવી હતી જેમાં 42 જગ્યા માટે કુલ 5,426 અરજીઓ આવી હતી.


નિર્ણય 'ભરતી કમિટી દ્વારા નક્કી' કરાયો છે : ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી મનોજ સુતરિયા

જેમાંથી માત્ર 1,724 ઉમેદવારો લાયક હતા, જ્યારે 3,699 ઉમેદવારો અયોગ્ય જાહેર કરાયા હતા, તેમ છતાંભરતી પ્રક્રિયાની અંતિમ મુદત (15/11/2025) પૂરી થયા બાદ, આરોગ્ય વિભાગે લેખિત કાર્યાલય આદેશ વગર અયોગ્ય ઉમેદવારોને વાંધા અરજી કરવા માટે ઈ-મેલ મોકલ્યા, જેની અંતિમ તારીખ 24/11/2025 આપી છે. ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી મનોજ સુતરિયાએ કબૂલ્યું કે, મુદત વધારવાનો કોઈ લેખિત આદેશ નથી, પરંતુ આ નિર્ણય 'ભરતી કમિટી દ્વારા નક્કી' કરાયો છે.

ભરતી પ્રક્રિયામાં જાણી જોઈ વિવાદ ઉભો કરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે

આ નિર્ણય "ભરતી કમિટી દ્વારા નક્કી કરવામાં આવ્યો છે" અને તેમની પાસે માત્ર લેખિતમાં રોજકામ છે. ભરતી કમિટીના આ વિવાદાસ્પદ નિર્ણયને કારણે લેખિત કાર્યાલય આદેશ વગર મુદત લંબાવવાના નિર્ણયને ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરનારો ગણાવ્યો છે અને સામાજિક આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, લાયક ઉમેદવારો હોવા છતાં અયોગ્ય ઉમેદવારોને ફરી તક આપીને અધિકારીઓ પોતાના માનિતા/વગદાર લોકોના ઉમેદવારોને ભરતીમાં સામેલ કરવા માંગે છે, જે આર્થિક લેવડદેવડ તરફ ઈશારો કરે છે. આમ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ભરતી પ્રક્રિયામાં જાણી જોઈ વિવાદ ઉભો કરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.


  • Follow us on: