જૂનાગઢ જિલ્લામાં હાલ એસઆઈઆર અંતર્ગત મતદારી યાદી સુધારણાનો ખાસ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં ગઈકાલે શનિવારે અને આજે રવિવારે એમ બે દિવસ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની પાંચેય વિધાનસભાના કુલ ૧૩૩૮ મતદાન મથકો ઉપર મેગા કેમ્પનું આયોજન કર્યું હતું. જેમ આજે સાંજ સુધીમાં જૂનાગઢ જિલ્લો સમગ્ર રાજ્યમાં ૪૯.૨૩ ટકા કામગીરી સાથે ૨૫ માં ક્રમે રહ્યો છે. અને જિલ્લામાં કુલ ૧૩,૦૦,૩૪૪ મતદારો પૈકી ૬,૪૦,૧૨૦ ફોર્મની ડીજીટાઈઝ કામગીરી કરી લેવામાં આવી છે.
ઓનલાઈન ડીઝીટાઈટ કરવાની કામગીરી
જૂનાગઢ જિલ્લાની તમામ વિધાનસભા મત વિભાગના તમામ મતદારો માટે ફોર્મ પ્રિન્ટ કરીને બીએલઓ મારફત તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં કુલ ૧૩,૦૦,૩૪૪ મતદારો નોધાયેલા છે. જેમને ફોર્મ વિતરણ કર્યા બાદ તે ફોર્મ પરત લેવાની અને એ ફોર્મને ઓનલાઈન ડીઝીટાઈટ કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં આજે જિલ્લાના ૫ વિધાનસભા મત વિસ્તારમાં ૧૩૩૮ બુથો ઉપર કામગીરી કરવામાં આવી હતી, જેમાં સવાર ૯ થી બપોરના ૧ સુધી આ કામગીરી કરવા માટે બે દિવસીય મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો.
SIR ડિજિટાઇઝેશનની પ્રગતિની વિગતવાર સમીક્ષા
આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ રાણાવસિયા પ્રાંત અધિકારી, કેશોદ કિશન ગરસર દ્વારા કેશોદ વિસ્તારના અગતરાય અને વણપરિયા કન્યા વિદ્યામંદિર, માંગરોળ નગરપાલિકા વિસ્તારના વિવિધ બુથો તેમજ શેરીયાઝ તથા માળીયા તાલુકાના કૂકસવાડા સહિતના વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન ખાસ કેમ્પમાં ચાલી રહેલી મેગા કલેક્શન કામગીરી તેમજ SIR ડિજિટાઇઝેશનની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો
સવારથી મતદાર ગણતરી ફોર્મ પરત મેળવવા માટે બુથો ઉપર ઘસારો જોવા મળ્યો હતો. ખાસ કરીને મતદારો અને ફરજ પરના બીએલઓને ૨૦૦૨ ની મતદાર યાદી મુજબ પોતાનું નામ શોધવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું ઠેર-ઠેર સામે આવ્યું હતું. તો બીએલઓને બાદમાં તે ફોર્મ પરત મેળવીને ઓનલાઈન ડીઝીટાઈટ કરવાની કામગીરી કરવામાં સર્વર ધીમું હોવાથી અને નામ મળતા ના હોવાથી ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
શાળામાં શિક્ષણ કાર્ય અને ઘરકામમાં ભારે પરેશાની
અમુક બુથો ઉપર શિક્ષિકા બહેનો બીએલઓ તરીકે ફરજ બજાવતી હતી, તેઓને ના છુટકે નાના બાળકો સાથે લઈને આવવાની ફરજ પડી હતી. જેને લઈને રોષ વ્યાપ્યો હતો. એક મહિલા શિક્ષિકાએ જણાવ્યું કે, દિવસભર અમારા દ્વારા ફોર્મ વિતરણ અને ફોર્મ પરત લેવાની કામગીરી કરીને રાતે ફરીથી ફોર્મ ઓનલાઈન કરવાની કામગીરી કરવામાં આવતી હોવાથી હાલ શાળામાં શિક્ષણ કાર્ય અને ઘરકામમાં ભારે પરેશાની ઉઠાવી પડી રહી છે.