જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં કાયદાનો ડર ઓગળી ગયો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતા રોષે ભરાયેલા લોકોએ જાતે જ જનતા રેડ પાડીને પોલીસની બેદરકારીનો પર્દાફાશ કર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગયો છે.
ભેસાણ તાલુકામાં દારૂના ધંધાર્થીઓ બન્યા બેફામ
ભેંસાણ તાલુકામાં દારૂના ધંધાર્થીઓ બેફામ બન્યા છે. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી. આખરે કંટાળીને લોકોએ જાતે જ હોસ્પિટલ નજીક ચેકિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન એક શખ્સ બાઇક પર દારૂની ડિલિવરી કરવા જઈ રહ્યો હતો. ત્યારે લોકોએ તેને રોકીને તપાસ કરી હતી. તપાસ કરતા બાઇકમાંથી દેશી દારૂની કોથળીઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.













