જૂનાગઢ શહેરની સાંકડી ગણાતી માંગનાથ બજારમાં 108 એમ્બ્યુલન્સ કે ફાયર બિગ્રેડના વાહનો પણ પ્રવેશી ના શકે તેવી બજારમાં આજે સાંજના સમયે ખરીદી કરવા આવેલા એક મુસ્લિમ પરિવારના પ્રૌઢને ગભરામણ થવા લાગતા હિન્દુ વેપારીઓ દોડીને આવ્યા અને પ્રૌઢને જોળીમાં ઉંચકીને બજારના ચોકમાં ઉભી રહેલી 108 સુધી તાત્કાલિક પહોંચાડ્યા હતા.
સાંજના 7.50 કલાકે બજારમાં એક મુસ્લિમ પરિવાર ખરીદી કરવા માટે આવ્યો હતો
જૂનાગઢનું હાર્દ ગણાતી માંગનાથ બજારના ક્લોથ એન્ડ મર્ચન્ટ એસોસિએશનના ઉપ-પ્રમુખ હિતેશ સંઘવીએ જણાવ્યું કે, આજે સાંજના 7.50 કલાકે બજારમાં એક મુસ્લિમ પરિવાર ખરીદી કરવા માટે આવ્યો હતો અને તેમાં એક પ્રૌઢને અચાનક ગભરામણ થવા લાગી હતી, જેને લઈને 108ને જાણ કરી, પરંતુ માંગનાથ બજાર સાંકડી હોવાથી અહીં 108 એમ્બ્યુલન્સ કે કોઈપણ ઈમરજન્સી સેવાઓના વાહનો પ્રવેશી શકે તેમાં ના હોવાના કારણે 108 બજારના ચોકમાં ઉભી રાખવામાં આવી હતી.
વેપારીઓએ કોમી એકતાનું વાતાવરણ પૂરું પાડ્યું
આ મુસ્લિમ પ્રૌઢને સમયસર સારવાર મળે તે માટે તરત જ બજારમાં હિન્દુ વેપારીઓ દોડીને આવ્યા આ મુસ્લિમ પ્રૌઢને જોળીમાં ઊંચકીને તાબડતોબ બજારની સાંકડી ગલીમાંથી ચોક સુધી બહાર કાઢ્યા હતા અને સમયસર 108 સુધી પહોંચાડી સારવાર માટે રવાના કર્યા હતા, આવી ઘટના અગાઉ પણ બની ચુકી છે. શહેરની મુખ્ય ગણાતી માંગનાથ બજાર જે અમદાવાદના માણેકચોક સમાન બજાર છે. અહીં દિવસ દરમિયાન હજારો ગ્રાહકો આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી કરવા માટે આવે છે. ત્યારે આવી ઘટના સમયે અહીંના વેપારીઓ હર હમેંશ ગ્રાહકોની સેવા માટે નાત-જાત જોયા વગર કોમી એકતાનું વાતાવરણ પૂરું પાડે છે.