કચ્છમાં આરોગ્યની સેવા વધુ સુદ્રઢ થાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 16 જેટલી આયુષ મેડિકલ ઓફિસરની ખાલી જગ્યા ભરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવતાં કચ્છ સહિત સમગ્ર રાજ્યમાંથી કુલ ૬૦૦ જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી. આ ઉમેદવારોના મેરિટના આધારે પ્રથમ ૪૩ ઉમેદવારોને મંગળવારે જીલ્લા પંચાયત કચેરી ખાતે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવ્યા હતાં, પરંતુ માત્ર ૧૨ ઉમેદવારો જ હાજર રહ્યા હતા. જેમાંથી ૮ ઉમેદવારોની આયુષ મેડિકલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે બાકીની ૮ જગ્યા ભરવા માટે મેરિટના આધારે બાકીના ઉમેદવારોને પણ આ જ રીતે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવશે.
4 ઉમેદવારોએ સ્થળ પસંદ કર્યું ન હતું
જીલ્લા આરોગ્ય અધિકારી મિતેષ ભંડેરીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં આરોગ્ય વિભાગ હસ્તકની વિવિધ પીએચસી અને આરબીએસકેમાં ખાલી પડેલી ૧૬ જેટલી આયુષ મેડિકલ ઓફિસરની જગ્યા ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આયુષ મેડિકલ ઓફિસર માટે કચ્છ તેમજ ગુજરાતભરમાંથી ૬૦૦ જેટલા ઉમેદવારોએ રસ દાખવ્યો હતો. આ ઉમેદવારોના મેરિટના આધારે પ્રથમ ૪૩ ઉમેદવારોને મંગળવારે ભુજમાં જીલ્લા પંચાયત કચેરીમાં સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર ૧૨ ઉમેદવારો જ હાજર રહ્યા હતા. જેમાંથી ૮ ઉમેદવારોએ સ્થળ પસંદગી કરી હતી, જ્યારે બાકીનાં ૪ ઉમેદવારોએ સ્થળ પસંદ કર્યું ન હતું. આગામી દિવસોમાં ખાલી રહેલી ૮ જગ્યાને ભરવા માટે આ જ રીતે બાકીના ઉમેદવારોને મેરિટ મુજબ બોલાવવામાં આવશે અને તેઓને સ્થળ પસંદગીની તક આપવામાં આવશે તેમ તેમણે અંતમાં જણાવી ઉમેર્યું હતું કે, નવ નિયુક્ત આયુષ મેડિકલ ઓફિસરને હાલ માસિક રૂ. ૩૦ હજારનો પગાર ચુકવવામાં આવશે.
કચ્છના ઉમેદવારે તાલુકા બહાર નોકરીની તક જતી કરી
કચ્છમાં એકતરફ સ્થાનિક ઉમેદવારોને સરકારી નોકરીમાં પ્રાધાન્ય આપવાની માગણી થાય છે, બીજી તરફ આજે કચ્છના બે ઉમેદવારને મેરીટના આધારે સ્થળ પસંદગીની તક મળી હતી, પરંતુ તેમને પોતાના તાલુકા બહારનું સ્થળ મળતાં તેમણે નોકરીની તક જતી કરી હતી. જેના પગલે તેમના પછીના ક્રમે આવતી રાધનપુરની યુવતીએ સ્થળની પસંદગી કરી હતી.
આરોગ્ય તંત્રમાં સાત ડેટા ઓપરેટની પણ જગ્યા ભરાઈ
જીલ્લા આરોગ્ય વિભાગ હસ્તકની ૭ જેટલી ડેટા ઓપરેટરની ખાલી જગ્યા માટે પણ ભરતીની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પણ મેરિટનાં આધારે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતાં. જેમાંથી પ્રથમ સાતે ઉમેદવારોએ સ્થળ પસંદગી કરી લેતા તેઓને નિમણૂંક આપી દેવામાં આવી હતી તેવું જીલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.