કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને દૂર કરવા સામાજિક સંસ્થાએ નવતર પહેલ કરી છે. શ્રી સર્વ સેવા સંઘ દ્વારા મુન્દ્રા તાલુકામાં હંગામી ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. મુન્દ્રા તાલુકામાં 150 શિક્ષકોને આજે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. સંસ્થા દ્વારા જ્ઞાન જ્યોતિ યોજના અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી.
શિક્ષકોને 9,000નું માનદ વેતન સંસ્થા દ્વારા આપવામાં આવશે
આ શિક્ષકોને નિયુક્તિ પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. જ્યારે સરકાર દ્વારા કચ્છમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે, ત્યારે વચ્ચેના સમયગાળામાં સરકાર, તંત્રની સાથે સહભાગી થવા માટે મુન્દ્રા તાલુકામાં પેરા ટીચરોની નિમણૂક સંસ્થા દ્વારા કરવામાં આવી છે. આ પ્રયાસ થકી પ્રથમ સત્રની પરીક્ષા સુધીમાં બાળકોનું મનોબળ વધુ મજબૂત બનશે. હંગામી ધોરણે નિમણૂક કરેલા શિક્ષકોને 9,000નું માનદ વેતન સંસ્થા દ્વારા આપવામાં આવશે. સર્વ સેવા સંઘ સંસ્થાની નવતર પહેલના કારણે મુન્દ્રા તાલુકામાં શિક્ષકોની ઘટ દૂર થઈ છે. સંસ્થા દ્વારા તમામ નિમણૂક પામેલા શિક્ષકોને એડવાન્સમાં પગાર આપવાનો નિર્ણય લીધો છે.
કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતીને લઈ આવેદન
તમને જણાવી દઈએ કે 4 ઓગસ્ટે પણ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતીને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટે શિક્ષણમંત્રીને આ અંગે આવેદન આપ્યું હતું. સ્થાનિક ઉમેદવારોને શિક્ષક તરીકે તક આપવા રજૂઆત કરવામાં આવી હતી અને 15 ઓગસ્ટ સુધીમાં નિર્ણય નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.