આજથી બે વર્ષ પહેલા ગાયોમાં લમ્પી રોગ ફેલાતાં ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો. કારણ કે, આ રોગ ગાયો માટે જીવલેણ સાબિત થયો હતો. રોગગ્રસ્ત પશુના ટપોટપ મોત થતાં હોવાને કારણે પશુપાલન તંત્ર સતત દોડતુ થયું હતું. ત્યારે બે વર્ષ બાદ ફરી એકવાર કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાયોમાં લમ્પી રોગે દેખા દેતાં જિલ્લાનું પશુપાલન તંત્ર સતર્ક બની ગયું છે. તાત્કાલિક અસરથી સમગ્ર કચ્છમાં સર્વેની કામગીરીની સાથે સાથે તાલુકા કક્ષાએ ટીમો બનાવીને પણ ગામોગામ ફરીને રસીકરણ સહિતની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
સારવારની ઝડપી કામગીરીને પગલે 47 ગાય ઘાસચારો આરોગતી થઈ
સર્વેમાં અત્યાર સુધીમાં 78 કેસ જોવા મળ્યા હતા, જેને ત્વરિત સારવાર અપાતાં 47 ગાય ખાતી-પીતી થઈ ગઈ છે, જ્યારે લમ્પીના 31 કેસ હજુ પણ જિલ્લામાં એક્ટિવ છે. આ બાબતે વધુ માહિતી આપતા જિલ્લા પશુપાલન અધિકારી નુરૂદ્દીન નાથાણીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાયોમાં લમ્પી રોગના લક્ષણો ફરી જોવા મળતાં તાત્કાલિક અસરથી વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કારણ કે, આ રોગ ગાયો માટે પહેલા જીવલેણ સાબિત થઈ ચૂક્યો છે, ત્યારે પહેલાં જેવી સ્થિતિ પુનઃ ઉદ્ભવે તે માટે પશુપાલન વિભાગ સતર્ક થઈ ગયો છે. તમામ તાલુકાઓમાં પશુ તબીબોની આગેવાનીમાં ટીમો તૈયાર કરીને ગામોગામ રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. સર્વે દરમ્યાન જિલ્લામાં 78 જેટલા લમ્પીના કેસ સામે આવ્યા હતા. પશુ તબીબોની તાત્કાલિક સારવારને પગલે 47 જેટલા પશુ ઘાસચારો ખાતા થઈ ચૂક્યા છે. જ્યારે 31 કેસ હજુ પણ એક્ટિવ જોવા મળી રહ્યા છે.
ભચાઉ અને રાપર તાલુકામાં છૂટાછવાયા લમ્પીના કેસ નોંધાયા
જિલ્લામાં અત્યારે તો લમ્પીના છૂટાછવાયા જ કેસ જોવા મળી રહ્યા છે, જેમાં મુખ્યત્વે અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકામાં છૂટાછવાયા લમ્પીના કેસ નોંધાયા છે. જ્યારે અબડાસા, નલિયા, નખત્રાણા સહિતનાં વિસ્તારોમાં હજુ સુધી એક પણ લમ્પીનો કેસ સામે આવ્યો નથી તેમ જણાવ્યું હતું અને કહ્યું વિભાગની ટીમો દ્વારા રસીકરણની કામગીરી વેગવંતી બનાવીને વધુ પશુઓ લમ્પી રોગગ્રસ્ત ન થાય તે માટેના તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.