સોમવતી અમાસે દિવસભર કચ્છમાં શિવાલયો હર હર મહાદેવના નારાથી ગુંજતા રહ્યા હતા. શ્રાાવણના અંતિમ દિવસે ભક્તો લઘુરુદ્રી, મહારુદ્રી જેવા યજ્ઞો તથા પૂજા-અર્ચના દ્વારા શિવકૃપા મેળવવાનો પ્રયાસ કરવાનું ચૂક્યા ન હતા તો રાત્રે પણ ચાર પહોરની પૂજા-આરતી, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના અનેકવિધ કાર્યક્રમોની વણજાર જોવા મળી હતી. જેને કારણે લગભગ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
વિવિધ શિવાલયોમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો
શ્રાવણ મહિનો એટલે શિવજીની ઉપાસનાનો મહિનો. શિવભક્તોએ મહિનાનાં પ્રથમ દિવસથી જ શિવાલયોમાં બીલીપત્રો ચડાવી, દૂધ, પાણી સહિતના દ્રવ્યનો અભિષેક, પૂજા, અર્ચનાથી ભગવાન શિવની કૃપા મેળવવાની શરૂઆત કરી હતી. જે મહિનાના છેલ્લા દિવસ સુધી ચાલી હતી. અમુક ભક્તોએ આખો મહિનો એકટાણા કરીને પ્રભુભક્તિ કરી હતી તો અમુકે માસના છેલ્લા દિવસે એકટાણું કરીને મહિનાની ભક્તિનાં પુણ્યનો લાભ લેવાનું પસંદ કર્યું હતું. તેમાંય સમગ્ર માસ દરમ્યાન દર સોમવારે વિવિધ શિવાલયોમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. ભુજના સુરલભીટ્ટ જેવા દેવાલયોમાં તો નિત્યદિન મેળા જેવું વાતાવરણ જોવા મળતું હતું.
ભુજના ભૂતનાથ મહાદેવ મંદિરે હોમ-હવન, મહાઆરતી
ભુજ શહેરની ભાગોળે ખારી નદીનાં કિનારા ઉપર આવેલા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાાવણી મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે અમાસનાં સવારે 8.30 વાગ્યાથી લઘુરુદ્રી હોમ યજ્ઞ અને બપોનાં 12.30 કલાકે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રાાવણમાસ દરમ્યાન પણ દર સોમવારે મહાઆરતી, ભજન-કીર્તન સહિતનાં પણ અનેકવિધ કાર્યક્રમો દ્વારા શિવઆરાધના કરવામાં આવી હતી. શિવભક્તોને વિવિધ ધાર્મિક લાભ મળે તે માટે ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટનાં પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં મહિદીપસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.
મંગલેશ્વર મહાદેવ મંદિરમાં મહારુદ્રી હોમ-હવન
શ્રાાવણ માસના છેલ્લા દિવસ અમાસના ભુજ ખાતે પીજીવીસીએલ કચેરીમાં આવેલા 200 વર્ષ જૂના પ્રસિદ્ધ મંગલેશ્વર મહાદેવ ખાતે ભક્તો દ્વારા મહારુદ્રી હવનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં પૂજાનો લાભ અગ્રણી એ.ટી. ગુસાઈ, ડી.પી. ગુસાઇ, પી.પી. ગુસાઇ, કે.પી. ગુસાઇ, પાર્થ ગુસાઇએ લીધો હતો. મંદિરનાં પૂજારી મહેશગિરિ ગુસાઇની આગેવાનીમાં શાસ્ત્રોક્ત વિધિથી સમગ્ર હવન પૂર્ણ કર્યો હતો.