દર વર્ષે દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓના ધાડેધાડા ઉમટી પડતા હોય છે, જેને કારણે લારી, ગલ્લા, દુકાનોથી લઈને હોટલ સુધીના ધંધાર્થીઓને ડબલ દિવાળીનો લાભ મળતો હોય છે, પરંતુ આ વખતે પ્રવાસીઓ દિવાળી પર્વ દરમ્યાન પ્રમાણમાં ઓછા આવ્યા, એટલું જ નહીં રવિવાર બાદ તો પ્રવાસીઓની સંખ્યામાં પણ રીતસરની ઓટ જોવા મળી, નહીં તો ડિસેમ્બર મહિના સુધી પ્રવાસીઓની અવર-જાવર રહેતી હોય છે.
આ વર્ષે લગભગ 30થી 35 ટકા જેટલું કચ્છને પ્રવાસન ઓછું મળ્યું
પરંતુ આ વખતે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતાં હોટલ સહિતના ધંધાર્થીઓની સાથે સાથે કચ્છના કારીગરો પણ નિરાશ થયા છે. હવે નાતાલના વેકેશનમાં પ્રવાસીઓ ઉમટી પડશે તેવી સૌ કોઈ આશા સેવી રહ્યા છે. આ સંદર્ભે ભુજના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક અંશુલ વચ્છરાજાનીએ જણાવ્યું હતું કે, દિવાળીના વેકેશન દરમ્યાન દર વર્ષ કરતાં આ વર્ષે લગભગ 30થી 35 ટકા જેટલું કચ્છને પ્રવાસન ઓછું મળ્યું હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. કારણ કે, પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નહીંતર દિવાળી પર્વ દરમ્યાન કચ્છમાં દરેક રિસોર્ટ, દરેક હોટલો ઉપર હાઉસફુલનાં પાટિયા લાગેલા જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે લગભગ હોટલો, રિસોર્ટના રૂમો 50થી 60 ટકા જેટલા જ ભરાયા હતા. 30 ટકા રૂમો ખાલી રહેવા પામ્યા હતા.
વધુમાં તેમણે પ્રવાસીઓનો આ વખતે ઘટાડો નોંધાવા પાછળના કારણોમાં મુખ્યત્વે વાતાવરણલક્ષી ભય કે વરસાદ પડશે. આ સિવાય રણ ઉત્સવ પણ આ વખતે મોડો ચાલુ થવાનો છે, જેને કારણે લોકોની ઈચ્છા હતી કે કચ્છના પ્રવાસે જતાં હોય ત્યારે અન્ય સ્થળોની સાથે રણોત્સવને પણ માણીએ. પરંતુ હજુ સુધી રણોત્સવ ચાલુ થવા પામ્યો નથી, જેના કારણે પણ 30થી 40 ટકા પ્રવાસીઓ કચ્છમાં આવ્યા નથી. રણોત્સવ મોડો શરૂ થવાને કારણે આ વખતે લાંબો ચાલશે તેવું લાગી રહ્યું છે. હાલ રણમાં પાણી ભરાયેલા હોઈ તંત્ર દ્વારા પણ રણોત્સવને લઈને તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રણમાં ભરાયેલા પાણી સુકાવાથી શ્વેત રણ સોળે કળાએ ખીલી ઉઠશે
વળી, આ વખતે રણનું સૌંદર્ય ઓર નિખારશે, કારણ કે, રણમાં ભરાયેલા પાણી સુકાવાથી શ્વેત રણ સોળે કળાએ ખીલી ઉઠશે. જેનો નજારો માણીને પ્રવાસીઓ ભારે રોમાંચ અનુભવશે. બાકી હાલ કચ્છના મંદિર સહિતના પ્રવાસન સ્થળો જેમાં જૈનના તીર્થસ્થાનો, નારાયણ સરોવર, કોટેશ્વર સહિતના સ્થળોએ ખાસ કરીને દિવાળી અને નૂતન વર્ષના દિવસે ભારે ભીડ જોવા મળી હતી, પરંતુ બાદમાં ભુજના પ્રાગમહેલ, કચ્છ મ્યુઝિયમ, સ્મૃતિવન સહિતના જોવા લાયક સ્થળોમાં દર વર્ષ કરતાં પ્રવાસીઓમાં ઘટાડો નોંધાયો છે. તેમાંય રવિવારે લાભપાંચમ બાદ તો પ્રવાસીઓના પ્રવાહમાં પણ ઓટ જોવા મળી રહી છે.
નાતાલ વેકેશન કચ્છ માટે લાભકારક નીવડશે તેવી આશા
આગામી દિવસોમાં નાતાલનું વેકેશન પડશે ત્યારે કચ્છ માટે આ વકેશન હંમેશાં ફળદાયી રહ્યું છે. કારણ કે, ત્યારે રણોત્સવ તેની ચરમસીમાએ હોય છે તેને કારણે વધુ પ્રમાણમાં પ્રવાસીઓ કચ્છ તરફ આકર્ષાતા હોય છે. આ દિવસોમાં હોટલ, રિસોર્ટ તો ફુલ થઈ જતા હોય છે, સાથોસાથ વિવિધ સમાજની વાડીઓ સહિતના સ્થળોએ પણ રૂમ ઉપલબ્ધ હોતા નથી. ત્યારે હોટલના સંચાલકોને પણ આશા છે કે, દિવાળી કરતાં નાતાલ વેકેશન કચ્છ માટે લાભકારક નીવડશે.
દિવાળીની સિઝનમાં વિદેશ જતાં પ્રવાસીઓનું પણ પ્રમાણ ઘટ્યું
માત્ર કચ્છના પ્રવાસનમાં જ નહીં, પરંતુ કચ્છમાંથી વિદેશ ફરવા માટે જતાં પ્રવાસીઓમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. કારણ કે, દર દિવાળીની સિઝનમાં કચ્છમાંથી પણ મોટી સંખ્યામાં વિદેશ જેમકે, દુબઈ, સિંગાપોર, વિયતનામ સહિતની કન્ટ્રીઓમાં જતાં હોય છે, પરંતુ આ વખતે દિવાળીની સિઝનમાં વિદેશ જતાં પ્રવાસીઓનું પણ પ્રમાણ ઘટયું છે. તેની પાછળનું કારણ લોકોમાં પ્લેન ક્રેશ, યુદ્ધનો ડર હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં પ્રવાસન થોડું ઓછું થયું છે, પરંતુ આવનારા દિવસોમાં વધશે તેવી આશા છે.