કચ્છ જિલ્લાના શિક્ષણની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે. જિલ્લામાં શિક્ષકોની ઘટ મામલે આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. જિલ્લામાં તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં 1,645 જેટલી પ્રાથમિક શાળા
રાજ્યમાં સૌથી વધારે શિક્ષકોની ઘટ કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે. જિલ્લાની પ્રાથમિક શાળામાં 50 ટકા મહેકમની ઘટ જોવા મળી રહી છે. જિલ્લામાં શિક્ષકોની ઘટના કારણે શિક્ષણની હાલત કથળી છે. કચ્છના અંતરિયાળ અને છેવાડાના ગામડામાં શિક્ષકની લાંબા સમયથી ઘટ છે, જેના કારણે શિક્ષણ પણ કથળી રહ્યું છે. રાજ્ય સરકાર એક બાજુ શાળા પ્રવેશ ઉત્સવ તેમજ સૌ ભણે સૌ આગળ વધે તેવી વાતો કરે છે. બીજી બાજુ સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. કચ્છ જિલ્લામાં 1,645 જેટલી પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં 100 જેટલી શાળામાં એકપણ શિક્ષક નથી, જ્યારે 150 જેટલી શાળામાં માત્ર એક શિક્ષક કાર્યરત છે. જિલ્લામાં 4,700 જેટલા શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. જેની અસર વિદ્યાર્થીના ભણતર પર પડી રહી છે.
સરકાર સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં સ્પેશિયલ ભરતીની જાહેરાત કરી છે. પરંતુ હજુ સુધી સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. જેના કારણે કચ્છને શિક્ષણ ક્ષેત્રે અન્યાય થઈ રહ્યો છે. કચ્છ જિલ્લામાં તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી માગ સાથે શિક્ષણ વિભાગમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. આગામી દિવાસોમાં કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો સરકાર સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. હવે કચ્છ જિલ્લામાં શિક્ષકોની અછત ક્યારે દૂર થશેએ જોવું રહ્યું ?