વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટી (AAP)ના ગોપાલ ઇટાલીયા વચ્ચે જંગ છે. જયારે કોંગ્રેસમાંથી નીતિન રાણપરીયાને ટિકીટ આપવામાં આવી હતી. વિસાવદર બેઠક ભાજપ માટે બહુ કપરા ચઢાણ માનવામાં આવે છે. આ બેઠક પર આપ પાર્ટીના ગોપાલ ઇટાલિયા અત્યારે મતગણતરી વખતે આગળ ચાલી રહ્યા છે. ત્યારે જાણો કોણ છે ગોપાલ ઇટાલિયા.


આક્રમક વલણ હંમેશા ઇટાલિયા ચર્ચામાં

ગોપાલ ઇટાલિયા એમના આક્રમક વલણને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા છે. આપ નેતાના નિવેદનો અનેક વખત વિવાદાસ્પદ બન્યા છે. ગોપાલ ઇટાલિયા પાટીદાર અનામત આંદોલનના નેતા હતા. અને ડિસેમ્બર 2020 થી જાન્યુઆરી 2023 સુધી, તેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કન્વીનર (રાજ્ય પ્રમુખ) પણ બની ચૂકયા છે. 2017 માં ગુજરાતમાં દારૂબંધી નીતિના ખુલ્લેઆમ ઉલ્લંઘનમાં સરકારી અધિકારીના મિલીભગતનો આક્ષેપ લગાવ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. જ્યારે 2017 માં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવા અને 'ભ્રષ્ટાચાર મુલતવી રાખો' ના નારા લગાવવાને લઈને ચર્ચામાં હતા.

ગોપાલ ઇટાલિયા આપ પાર્ટીમાં સામેલ

2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગોપાલ ઇટાલિયા હાર્દિક પટેલની નજીક હતા. આ આંદોલના બાદ આપ નેતા 2018 થી 2020 દરમિયાન સામાજિક સંગઠન પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) સાથે સંકળાયેલા હતા. 12 ડિસેમ્બર 2020ના રોજ તેમને આપ પાર્ટીના રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

ઇટાલિયાએ પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં આપ પાર્ટીએ ફેબ્રુઆરી 2021 માં ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રવેશ કર્યો. અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 27 અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક બેઠક જીતવામાં સફળતા મેળવી. 2022 માં તેમને AAP ગુજરાતના પ્રમુખ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા, જેથી તેમને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર કરી શકાય . આ ચૂંટણીમાં પાર્ટીએ 5 બેઠક સાથે 12.92% મત મેળવ્યા.

રાજનીતિ પહેલા ઇટાલિયાનો પરિચય

ગોપાલ ઇટાલિયાનો જન્મ 21 જુલાઈ 1989ના રોજ ગુજરાતના બોટાદમાં થયો હતો. તેમણે પોતાનો પ્રાથમિક અભ્યાસ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં અને માધ્યમિક અભ્યાસ ધોળા ગામમાં પૂર્ણ કર્યો. તેમણે ગુજરાત યુનિવર્સિટી , અમદાવાદમાંથી રાજકીય વિજ્ઞાનમાં ડિગ્રી મેળવી. જાન્યુઆરી 2013થી, ઇટાલિયાએ અમદાવાદ પોલીસમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે કામ કર્યું અને ત્યારબાદ 2014માં અમદાવાદ કલેક્ટર કચેરી હેઠળ ધંધુકા તાલુકા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરીમાં રેવન્યુ ક્લાર્ક તરીકે નિયુક્ત થયા હતા.

  • Follow us on: