મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લોહર ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ છે. એક બેફામ ગતિએ જઈ રહેલા ડમ્પરે 14 વર્ષના માસૂમ બાળકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે. કડીના મણીપુરથી બાવલુ તરફ ફૂલ ઝડપે જઈ રહેલા એક ડમ્પરના ચાલકે આ અકસ્માત સર્જ્યો હતો. મૃતક બાળક જેનું નામ નેતૃત્ય સુરેશજી ઠાકોર છે તે પોતાના કાકાના ઘરેથી ચાલતા-ચાલતા પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો.
ડમ્પરે અડફેટે લેતા નેતૃત્ય ઠાકોરનું ઘટનાસ્થળે મોત
તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા ડમ્પરે તેને અડફેટે લીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે નેતૃત્ય ઠાકોરનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું. આ કરુણ અકસ્માત બાદ તરત જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. લોકોનો રોષ જોઈને ડમ્પરનો ચાલક પોતાનું વાહન મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.













