ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક આવેલા છત્રાલ વિસ્તારમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં આજે બપોરે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આગના ધુમાડાથી આકાશ છવાઈ ગયું હતું. આ ગોડાઉન મુખ્યત્વે પ્લાસ્ટિક વેસ્ટ અને કેમિકલ વેસ્ટ જેવી જ્વલનશીલ વસ્તુઓના ભંગાર માટે ઉપયોગમાં લેવાતું હતું. જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી અને થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.


પ્લાસ્ટિક, કેમિકલ વેસ્ટના ગોડાઉનમાં લાગી આગ

એકાએક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. જેના કારણે વાતાવરણમાં પ્રદૂષણ પણ ફેલાયું હતું. આગની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

ફાયર બ્રિગેડે આગ બુઝાવવાના પ્રયાસ કર્યા

પ્લાસ્ટિક અને કેમિકલ વેસ્ટ હોવાને કારણે આગ બુઝાવવામાં ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ જવાબદાર હોવાની શક્યતા છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગોડાઉનમાં પડેલા માલ-સામાનને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે. ફાયર બ્રિગેડ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાની કામગીરી હજુ પણ ચાલુ છે. જેથી આગ આસપાસના અન્ય એકમોમાં ન ફેલાય.

  • Follow us on: