રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો ફરી એક વખત જોવા મળી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર પોલીસે ઝડપી લીધી છે. કલોલના બોરીસણા પાસેથી પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે કારચાલકને પણ ઝડપી પાડ્યો છે. પોલીસે ડાભલા ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને પોલીસની નાકાબંધી જોઈને કારના ચાલકે બેરીકેટ તોડી કાર ભગાવી હતી.
3.24 લાખની કિંમતની વિદેશી દારુની 936 બોટલ જપ્ત
જો કે ત્યારબાદ આ ગાડીનો પીછો પોલીસે કર્યો હતો અને કારના ચાલકે બેરીકેટ તોડી કાર ડાભલા ચોકડીથી રણછોડપુરા ચોકડી અને ત્યાંથી ખાત્રજ ચોકડી થઈ ભોયણ ત્રણ રસ્તા તરફ ભગાવી હતી. પોલીસને પાછળ આવતી જોઈ કારના ચાલકે શેરીસા નર્મદા કેનાલ પસાર કરી બોરીસણા પાસે કાર ઉભી રાખી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો, જો કે આ પહેલા જ પોલીસે કારના ચાલકને ઝડપી લીધો હતો. કારમાંથી પોલીસે વિદેશી દારૂ અને બિયરની કુલ 936 બોટલ જેની કિંમત આશરે રૂપિયા 3,24,240 થાય છે. જેને જપ્ત કરી લીધી છે. પોલીસે વિદેશી દારુ, બિયરનો જથ્થો તેમજ કાર અને મોબાઈલ મળીને કુલ રૂપિયા 13,29,240નો મુદ્દા માલ જપ્ત કર્યો છે. બીજી તરફ પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.
9 જુલાઈએ કડી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો
તમને જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે 9 જુલાઈએ કડી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો. વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો કડી પોલીસે ઝડપ્યો હતો. કડીના બુડાસણ ખાતે આઈકોન ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા ગોડાઉનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. વિદેશી દારૂની આશરે 1,764 નંગ બોટલોનો 23,69,600નો જથ્થો કડી પોલીસે ઝડપ્યો હતો. કડી પોલીસે આ અંગે ગુનો નોંધીને કડક કાર્યવાહી હાથ ધરી છે.