ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર અને પંથકમાં અકસ્માતના જુદા જુદા 5 બનાવોમાં 5 લોકોના મોત નિપજ્યા છે. જેમાં કલોલમાં આવેલી પીઝાની દુકાનમાં કામ કરતા કામદારની દવા ચાલતી હતી અને તે દરમિયાન તે અચાનક બેભાન થઈ ગયો હતો. ફતેહલાલ પ્રભુલાલ સાલવી (ઉંમર- 34) બેભાન થઈ જતા તાત્કાલિક તેને સારવાર માટે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જો કે હોસ્પિટલમાં ફરજ પર હાજર રહેલા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.


ધાનોટની બંધ કંપનીની ઓરડીમાંથી બંગાળી કારીગરની લાશ મળી આવી

ત્યારે અન્ય એક બનાવમાં છત્રાલની હરિદર્શન સોસાયટીમાં રહેતા શંકરલાલ નાનજીભાઈ દરબાર (ઉંમર-65)ને છાતીમાં દુ:ખાવા સાથે ગભરામણ થતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાં ડોક્ટરે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા તો આ પ્રકારનો જ વધુ એક બનાવ દાનોટની રાજકમલ કંપનીમાં બન્યો હતો, રાજકમલ કંપનીની ઓરડીમાં સઘન મંગલ મંડી બારેનને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું. તેમનો મૃતદેહ કંપનીની ઓરડીમાંથી મળી આવ્યો હતો.

અમદાવાદના યુવકની લાશ કલોલના ગણપતપુરાની કેનાલમાંથી મળી આવી

તેમજ વધુ એક બનાવમાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા રાહુલ જીવણભાઈ પટણી (ઉંમર 26)ની લાશ કલોલ તાલુકાના ગણપતપુરા ગામે પસાર થતી નર્મદા કેનાલના સાયફળ ગેટ નંબર ચારમાંથી મળી આવી હતી, તેમજ ગેટ નંબર ચારમાંથી એક અજાણ્યા એવા 30 વર્ષના પુરુષની પણ લાશ મળી આવી હતી. પોલીસે લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવો અંગે પોલીસે જરૂરી નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: