ખેડબ્રહ્માથી રાજસ્થાન બોર્ડર નજીક આવેલી ટ્રાયબલ વિસ્તારમાં આવેલી મોટા ફળો પ્રાથમિક શાળા હાલ જર્જરિત થઇ ગઇ છે. જેને કારણે ધો.1 થી 5 ના બાળકોને વૈકલ્પિક વ્યવસ્થાના મકાનમાં ભણાવવામાં આવી રહ્યા છે.
આમ તો શિક્ષણ એ બાળકનો સૌથી મહત્વનો પાયો ગણવામાં આવે છે. કારણકે શિક્ષિત બાળક એ દેશનુ આવનારુ ભવિષ્ય છે. પરંતુ આ વિસ્તારની અંદર બાળકો જ્યાં બેસીને અભ્યાસ કરે છે એ જ મકાન જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યુ છે. બાળકોને ભણવા માટે નજીકમાં એક વૈકલ્પિક મકાનની વ્યવસ્થા કરાઇ છે. જેમાં પ્રાથમિક શાળા 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 3 જ શિક્ષકો છે અને 108 જેટલા બાળકો માત્ર બે ઓરડામાં અભ્યાસ કરી રહ્યા છે.
બે ઓરડામાં 108 બાળકો એક સાથે ભણવા મજબૂર
મળતી માહિતી પ્રમાણે રાજસ્થાન બોર્ડર નજીક આવેલી ટ્રાયબલ વિસ્તારમાં મોટાફળો પ્રાથમિક શાળા આવેલી છે. જે છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી છે.ધોરણ 1 થી 5ના 108 વિદ્યાર્થીઓ માટે માત્ર બે ઓરડાના મકાનમાં ભણવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. બે ઓરડાના મકાનમાં હાલ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જૂની શાળાના મકાનમાં તમામ સામાન બગડી રહ્યો હોવાનું પણ સામે આવ્યુ છે. ત્યાંના લોકોનુ કહેવુ છે કે તંત્ર અભ્યાસ અર્થે શાળા ઝડપથી બનાવી આપવામાં આવે જેથી કરીને તેમનુ ભણતર ન બગડે.
છેવાડાંના ગામડાંઓમા સુવિધાઓનો અભાવ
સરકાર શિક્ષણ માટે મોટા મોટા ટાયફા અને બણગાં ફૂંકે છે છેવાડાંના લોકો સુધી દરેક સુવિધાઓ પહોંચે છે પરંતુ ઘણાં એવાં ગામડાંઓ છે કે જ્યાં અનેક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. જ્યાં શાળા જર્જરિત હાલતમાં હોય, અથવા તો બાળકો માટે માત્ર એક કે બે શિક્ષક હોય, વિદ્યાર્થીઓ માટે પૂરતી કોઇ વ્યવસ્થા નથી કરાતી. અનેક વિદ્યાર્થીઓ હજુ પણ જર્જરિત હાલતની શાળાઓ કે ઓરડાઓ નીચે બેસીને ભણવા મજબૂર બન્યા છે.આવી ટ્રાયબલ વિસ્તારની ઘટના છે કે જ્યા એક સાથે 108 બાળકો બે ઓરડામાં બેસી ભણવા મજબૂર બન્યા છે.