સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મામાં નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા આજે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સરકારી જમીનો અને જાહેર માર્ગો પર થયેલા ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા દબાણકર્તાઓને અગાઉ દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે ૧૦ તારીખ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. સમય મર્યાદા પૂરી થવા છતાં સ્વૈચ્છિક રીતે દબાણ દૂર ન થતાં, તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી હતી.


સરકારી જમીનો પરના દબાણો દૂર કરાયા

સીટી સર્વે અને નગરપાલિકા સહિતના સ્ટાફની ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવીને દબાણો દૂર કર્યા હતા. મુખ્યત્વે સર્વે નંબર ૬૬૦૨ ની સરકારી જમીનમાં થયેલા દબાણોને દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ખેડબ્રહ્મા એક આસ્થાનું કેન્દ્ર હોવાથી અહીં રોજેરોજ હજારોની સંખ્યામાં પર્યટકો અને શ્રદ્ધાળુઓ આવતા હોય છે.

દબાણ દૂર કરવાની શ્રદ્ધાળુઓની હતી માગ

મુખ્ય માર્ગો સહિત જાહેર સ્થળો પર દબાણ થવાને કારણે શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હતી. ગેરકાયદેસર દબાણને કારણે અવરજવર અને પાર્કિંગમાં મુશ્કેલી થતી હોવાથી, દબાણ દૂર કરવાની માગ શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. તંત્રની આ કાર્યવાહીથી હવે ખેડબ્રહ્માના મુખ્ય માર્ગો અને જાહેર જમીનો ખુલ્લી થતાં લોકોને રાહત મળશે.


  • Follow us on: