ખેડા જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમા જિલ્લા LCBમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ હિરેન પટેલ રૂપિયા 25,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. અમદાવાદ ACBની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. કોન્સ્ટેબલ હિરેન પટેલે એક વ્યક્તિ પાસેથી દારૂનો કેસ ન કરવા માટે લાંચની માંગણી કરી હતી.
ACBએ LCB કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો
દારૂબંધીના કાયદાના કડક અમલ વચ્ચે કેટલાક ભ્રષ્ટ તત્વો તેનો ગેરલાભ ઉઠાવીને નાગરિકોને પરેશાન કરતા હોય છે. આ કિસ્સામાં પણ કેસ ન કરવાના બદલામાં લાંચ માંગવામાં આવી હતી. જે વ્યક્તિ પાસેથી લાંચ માંગવામાં આવી હતી તેણે ભ્રષ્ટાચાર સામે લડવાનો નિર્ણય કર્યો અને અમદાવાદ ACB નો સંપર્ક કર્યો. ACBની ટીમે સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી હતી. જે ક્ષણે કોન્સ્ટેબલ હિરેન પટેલ લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો તે જ ક્ષણે ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
કોન્સ્ટેબલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
ત્યાર બાદ ACB દ્વારા હિરેન પટેલની ધરપકડ કરવામાં આવી હતી. તદુપરાંત આ કોન્સ્ટેબલ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દળમાં આવા ભ્રષ્ટ કર્મચારીઓની હાજરીથી ખાતાની છબી ખરડાય છે. ત્યારે ACB દ્વારા લેવાયેલું આ પગલું આવા તત્વો સામે લાલબત્તી સમાન છે. આ ઘટના બાદ અન્ય ભ્રષ્ટ પોલીસકર્મીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.