ખેડા જિલ્લાના કઠલાલ બાયપાસ રોડ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. આ અકસ્માત આઈસર ટેમ્પો અને CNG રીક્ષા વચ્ચે થયો હતો. જેમાં રીક્ષામાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત કઠલાલ બાયપાસ રોડ પર સર્જાયો હતો. જ્યાં CNG રીક્ષામાં પાંચ વ્યક્તિઓ સવાર હતા. આ તમામ લોકો સેવાલિયાથી મીનાવાડા ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. તે જ સમયે સામેથી આવતા એક આઈસર ટેમ્પો સાથે રીક્ષાની જોરદાર ટક્કર થઈ હતી.


સેવાલિયા થી મીનાવાડા દર્શને જઇ રહ્યા હતા લોકો

આ ટક્કર એટલી ભયાનક હતી કે રીક્ષાના ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માત થતા જ રીક્ષામાં સવાર પાંચ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત સર્જાતા આઈસર ચાલક ફરાર થયો

ઘટના બાદ અકસ્માત સર્જીને આઈસર ચાલક ટેમ્પો લઈને ફરાર થઈ ગયો હતો. કઠલાલ પોલીસને આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા. પોલીસે ફરાર આઈસર ચાલકને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે અજાણ્યા આઈસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગંભીર અકસ્માતને કારણે કઠલાલ બાયપાસ રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.


  • Follow us on: