ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદી ઓવરફ્લો થતાં ખેડા જિલ્લાના અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નાનીકલોલી, પથાપુરા અને રસિકપુર ગામોમાં પાણી ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ઘટનાથી હજારો હેક્ટર ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને ગામલોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે. આ ત્રણેય ગામોમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે.


પાણી ભરાતા હજારો હેક્ટર ખેતરો પાણીમાં ગરકાવ

ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આ ઉપરાંત ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અવરજવર માટે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે મહિલાઓ અને બાળકોને ટ્રેક્ટર જેવા વાહનો પર બેસીને અવરજવર કરવા મજબૂર બનવું પડ્યું છે.

તંત્રએ નિરીક્ષણ કર્યું, પરંતુ નેતાઓની ગેરહાજરીથી રોષ

આ પૂરની સ્થિતિની જાણ થતાં જ વહીવટી તંત્ર તાત્કાલિક સક્રિય થયું હતું. ખેડાના પ્રાંત અધિકારી, ડીડીઓ, મામલતદાર, તલાટી અને સરપંચ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે સ્થાનિક લોકોમાં તંત્રના નિરીક્ષણ છતાં રાજકીય નેતાઓની ગેરહાજરીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે પાણી ભરાઈ ગયા બાદ પણ અત્યાર સુધી કોઈ ધારાસભ્ય કે સાંસદ સભ્ય ફરક્યા નથી. લોકોનું કહેવું હતું કે આ મુશ્કેલીના સમયમાં તેમને રાજકીય નેતાઓની મદદની જરૂર છે.


  • Follow us on: