મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યભરમાં માર્ગો, પુલો અને હાઇવેની સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેમણે વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય, તેવો એક પણ દિવસ રસ્તાઓના સમારકામ વગરનો વ્યર્થ ન જાય અને રસ્તા મરામતની કામગીરી ચાલુ રહે, તે માટે આદેશ આપ્યા હતા. જેના પગલે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદી ઋતુ દરમિયાન માર્ગોની ક્ષતિઓને દુર કરવા તાત્કાલિક અને આયોજનબદ્ધ રીતે વેટમિક્સથી પેચ વર્ક કરવામાં આવી રહ્યું છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડા ભરવાની કામગીરી કરાઈ
શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડા ભરવા તેમજ મુસાફરી સુલભ બનાવવા નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. તા.૦૫ થી ૧૦ જુલાઈ સુધી અંદાજિત ૩૧ કિ.મીના વિવિધ રસ્તાઓમાં ૬૭૦ મેટ્રિક ટન વેટ મિક્સથી ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું છે. તા.૦૫ જુલાઇના રોજ ડી માર્ટ સામે સ્પર્શ વીલા તરફ, કેનાલ રોડ તા. ૦૬ જુલાઈના રોજ મરીડા વિસ્તાર, મરિડા ભાગોળ વિસ્તાર, પાંચહાટડી, ભોજા તળાવ પાસે મહેશ્વરી વાડી રોડમાં ૩૨.૮૫ મેટ્રિક ટન વેટ મિક્સ જથ્થો વાપરીને ૨ કિ.મી રાસ્તા રીપેર કર્યા. તા. ૦૭ જુલાઈએ વલ્લભનગર, ગોકુલધામ સોસાયટી, પેરિસ પાર્ક , મિશન રોડ વિસ્તાર અને સાવલિયા પંપિંગ સ્ટેશન જેવા વિસ્તારોમાં કુલ ૨.૯૫ કિ.મી રસ્તા પર પેચ વર્ક કરવામાં આવ્યું છે.
૧૩૭.૧૫ મેટ્રિક ટન વેટ મિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
તા. ૦૮ જુલાઈએ ઇન્દિરાગાંધી માર્ગ, પેરિસ પાર્ક રોડ, નિલકંઠ મહાદેવ રોડ, રામકૃષ્ણ પાર્ક, સર્ક્યુલર રોડ સહિત કુલ ૧૩ વિસ્તારોમાં ૯.૭૦ કિ.મી લંબાઈના રસ્તા પર પેચ વર્ક કરવામાં આવ્યું. આ માટે ૨૩૦ મેટ્રિક ટન વેટ મિક્સ વપરાયું હતું. તા.૦૯/૦૭/૨૦૨૫ના રોજ નિર્મલ નગર રોડ, બિલોદરા ચોકડી, જુના રાવપૂરા, SRP ગ્રાઉન્ડ સામે, ઓમ નગર પાસે, પારસ સર્કલ વિસ્તારોમાં કુલ ૫ કિ.મી રસ્તા પર પેચ વર્ક કરવામાં આવ્યું છે, જેમાં ૧૯૦ મેટ્રિક ટન વેટ મિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ખાડાને લઈ શહેરીજનોને નહી પડે તકલીફ
તા.૧૦/૦૭/૨૦૨૫ના રોજ ડેરી રોડ, માઇ મંદિર રોડ, કપડવંજ રોડ વિસ્તાર, મરીડા દરવાજા વિસ્તારોમાં કુલ ૫ કિ.મી રસ્તા પર પેચ વર્ક કરવામાં આવ્યું છે, જેમાં ૮૦ મેટ્રિક ટન વેટ મિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નડિયાદ મહાનગરપાલિકા તરફથી વરસાદ દરમ્યાન પણ શહેરના માર્ગોને યથાશક્ય સારી સ્થિતિમાં રાખવા આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે એમ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે..