જીવતા જીવ તો સુખ નહીં પણ મર્યા બાદ પણ તંત્ર અને અધિકારીઓના પાપે સુખેથી અંતિમ સંસ્કાર પણ થઈ શક્તા નથી. નડિયાદના સુરાશામળ ગામના લોકો વર્ષોથી સ્મશાન અને તેને જોડતા રસ્તાની માંગ કરી રહ્યા છે પણ તંત્રના બહેરા કાને આ લોકોની માંગ નથી સંભળાઈ રહી અને આ વરસાદની સિઝનમાં પણ ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા લોકો મજબૂર બન્યા છે.


250 જેટલા ઘર અને 1,000 થી પણ વધુ વસ્તી મજબૂર

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાનું અને મહુધા વિધાનસભામાં આવતું સુરાશામળ ગામ છે. આ ગામમાં ભગવાનપુરા નામથી એક વિસ્તાર આવેલો છે જ્યાં લગભગ અઢીસો જેટલા ઘર અને 1,000 થી પણ વધુ વસ્તી હાલ વસવાટ કરી રહી છે. જ્યાં વસવાટ કરે છે ત્યાં આસપાસ ખેતરો આવેલા છે અને જાણે કે આસપાસ ખેતરો વચ્ચેના ટાપુંમાં રહેતા હોય તેવો ઘાટ અહ્યા સર્જાયો છે અને તેમાં બનાવવામાં આવેલા કાચા રસ્તામાંથી તેઓ પસાર થાય છે અને સુરાશામળ ગામનું જે સ્મશાન છે તે ત્રણ કિલોમીટર દૂર આવેલું છે જેથી ભગવાન પુરા વિસ્તારના લોકો નજીકમાં આવેલ તળાવના કિનારે ટેકરા ઉપર વર્ષોથી ખુલ્લામાં કોઈ જ વ્યવસ્થા વગર અંતિમ સંસ્કાર કરે છે. આ ઉપરાંત ભગવાનપુરા ગામમાં રહેતા 100 થી વધુ બાળકો પણ ખેતરો ખૂંદીને શાળાએ જવા મજબૂર બને છે. બાળકોને કોઈ સરીસૃપ કરડી ન જાય તે ડરથી ઘણા માતા-પિતા બાળકોને સ્કૂલે મોકલવાનું પણ ટાળી રહ્યા છે.

સંદેશ ન્યૂઝ પરની રજૂઆત છતાં તંત્રના બહેરા કાને સંભળ્યું નહીં

આ સાથે સ્થાનિકોએ એ પણ આક્ષેપ કર્યો કે જ્યારે ચૂંટણી હોય ત્યારે અહ્યા દારૂ અને ચવાણુ વહેંચવામા આવે છે. ચૂંટલી સમયે રોડ તેમજ સ્મશાન બનાવવાનો વાયદો કરવામા આવ્યો હતો પણ ચૂંટણી જીત્યા બાદ કોઈ અહીંયા ફરકતું પણ નથી. સ્મશાન યાત્રાને સ્મશાનની જગ્યાએ પહોંચવા માટે કોઈ જ પાકો રસ્તો ન હોવાને કારણે ખેતરો ખૂંદીને અને ભરાયેલા પાણી અને કાદવ કીચડવાળા કાચા રસ્તા પરથી પસાર થવા મજબૂર બને છે. એક વર્ષ અગાઉ પણ કેડ સમા પાણીમાંથી ડાઘુ નનામી લઈને જતા હતા તે અહેવાલ સંદેશ ન્યૂઝ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો તેમ છતાં આજ દિન સુધી આ જ પ્રકારની પરિસ્થિતિમાં લોકો જીવવા મજબૂર બનેલા છે પણ સુરાશામળ ગામના સરપંચ, તલાટી, ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારને અનેકો અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી તંત્રના બહેરા કાને આ રજૂઆત સંભળાઈ નથી અને કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. વધુ માં જણાવીએ તો, આ મામલે સુરાશામળ ગામના સરપંચ ઉપરના અધિકારી પર સમગ્ર મામલો ઢોળીને પોતાની જવાબદારીમાંથી છટકતા જોવા મળ્યા છે. ગ્રામજનોની માંગ છે કે તેમને જો એક પાકો રસ્તો સ્મશાન સુધીનો બનાવી આપવામાં આવે તો તેમની તમામ તકલીફો દૂર થઈ જશે.


  • Follow us on: