ખેડાના મહુધાના અલીણાથી પણસોરાને જોડતો રોડ અને તેના ઉપર શેઢી નદી ઉપરનો બ્રિજ હાલ ભારે વાહનો માટે બંધ કરાતા આસપાસના લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


આસપાસના ગામડાઓના સ્થાનિકોને બ્રિજ બંધ કરાતા પડી રહી છે તકલીફ

ખેડા જિલ્લાના કઠલાલ, ઠાસરા, અને મહુધા તાલુકાના અલીણાથી ઉમરેઠ તાલુકાના પણસોરાને જોડતો સ્ટેટ હાઇવે કે જેના ઉપર હેરંજ ગામ નજીક શેઢી નદી પરનો બ્રિજ હાલ જર્જરીત હાલતમાં હોય થોડા સમય અગાઉ જ રૂપિયા 18 લાખના ખર્ચે તેનું સમારકામ કરવામાં આવ્યું હતું, તેમ છતાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો, આ પ્રતિબંધને કારણે આણંદ જિલ્લા સહિત ખેડાના ચાર તાલુકા જેમાં કઠલાલ ઠાસરા મહુધા અને ઉમરેઠ તાલુકાના પણસોરાને જોડતા આ રોડ પર આસપાસ 40થી 45 ગામડાઓ પણ આવેલા છે જે તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આસપાસના ગામના લોકોને દૂર દૂર સુધી ખાતર લેવા માટે જવું પડી રહ્યું છે

ભારે વાહનો પર પ્રતિબંધને કારણે મોટી એસટી બસ આ રોડ પરથી પસાર થઈ શકતી ન હોવાને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને લાંબુ અંતર કાપીને ગોળ ફરીને અવર જવર કરવી પડી રહી છે. આ ઉપરાંત હાલ વાવણીની સિઝન અને તેમાં ખાતરની તાતી જરૂરિયાત હોવાને કારણે ખાતરની ટ્રકો પણસોરા આવતી હોવાથી અલીણા હેરંજ સહિત આસપાસના ગામના લોકોને દૂર દૂર સુધી ખાતર લેવા માટે જવું પડી રહ્યું છે. મહુધા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કહી રહ્યા છે કે 2018 ની સાલમાં રોડ સહિત બ્રિજની ₹4 કરોડના ખર્ચે મંજૂરી મળી ગઈ હતી.

પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા માંગ કરવામાં આવી બ્રિજને લઈ

આજ દિન સુધી કોઈજ કામગીરી કરી નથી જેને 8 વર્ષ પૂરા થવા આવ્યા છે અને અત્યારે નવા બનેલા બજેટમાં સાત કરોડ 35 લાખનો બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે છતાં પણ તેની કોઈ જ કામગીરી હજુ સુધી શરૂ નથી થઈ. આ સાથે માર્ગ અને મકાન સ્ટેટ વિભાગમાં તાત્કાલિક ધોરણે ખાલી જગ્યાઓ ભરવા માટે પણ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા માંગ કરવામાં આવી છે.

બ્રિજ વહેલો નહી બનાવો તો આંદોલન કરાશે તેવું સ્થાનિકોનું કહેવું છે

લાડવેલ ચોકડીથી પણસોરાને જોડતો 28 કિ.મીનો જે રોડ છે તે પણ 2018 ની સાલમાં મંજૂર થયો હોવા છતાં આજ દિન સુધી રોડ નથી બનાવવામાં આવ્યું જેને કારણે ઠેર ઠેર મસ મોટા ખાડા પડી જવાને કારણે આસપાસના લોકોને ખૂબ જ તકલીફો વેઠવી પડી રહી છે તેમ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે જણાવ્યું, સાથે સાથે તેમણે એ પણ જણાવ્યું કે વહેલી તકે આ રોડ રસ્તા જે મંજૂર કર્યા છે તે બનાવવામાં નહીં આવે તેમ જ આ બ્રિજ વહેલી તકે બનાવવામાં નહીં આવે તો ગાંધીજી ત્યાં માર્ગે આંદોલનની પણ તેમણે ચિમકી ઉચ્ચારી છે.


  • Follow us on: