વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વર્ષ 2015-16થી કાર્યરત ‘પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના’ આજે ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021-22થી શરૂ કરવામાં આવેલા વોટરશેડ 2.0 અંતર્ગત ગુજરાત માટે 2.92 લાખ હેક્ટર વિસ્તારને આવરી લેતા કુલ 51 પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવ્યા છે. પાંચ વર્ષ માટે આ પ્રોજેક્ટ્સ પાછળ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 60:40ના રેશિયોમાં અંદાજે રૂપિયા 687.80 કરોડનો ખર્ચ કરવામાં આવશે, તેમ વિધાનસભામાં વિગતો આપતા આજે ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું.
‘વોટરશેડ ડેવલપમેન્ટ 2.0’ની અમલવારી ગુજરાતમાં
મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે ‘પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના’ના અત્યંત મહત્વના ઘટક ‘વોટરશેડ ડેવલપમેન્ટ 2.0’ની અમલવારી ગુજરાતમાં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ખૂબ જ અસરકારક રીતે કરવામાં આવી રહી છે. આ યોજના માત્ર સિંચાઈ પૂરતી સીમિત નથી, પરંતુ તે સમગ્ર ગ્રામીણ ઈકોલોજીકલ સંતુલનને જાળવવાનું મહત્વનું કામ કરે છે.
તેમણે જણાવ્યું કે આ યોજના અંતર્ગત ઓવરહેડ ટેન્ક, સમ્પ અને પાઈપ લાઈન દ્વારા ગામતળમાં શુદ્ધ પીવાનું પાણી, ચેકડેમ, તળાવ, કોઝ-વે અને ખેત તલાવડીના નિર્માણ દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ, પૂર સંરક્ષણ દિવાલ, ખેતરના બંધપાળા અને વેસ્ટ વિયર દ્વારા જમીનનું ધોવાણ અટકવું જેવા વિવિધ લાભો થાય છે. વધુમાં આ યોજનાથી જમીન વિહોણા શ્રમિકો અને ખેતમજૂરો માટે લો-કોસ્ટ નેટ હાઉસ, કેટરીંગ સેટ અને મંડપ ડેકોરેશન જેવા ગૌણ વ્યવસાયો દ્વારા રોજગારીનું સર્જન પણ થાય છે.
પાણી જમીનમાં ઉતરવાથી કુવા અને બોરવેલ રિચાર્જ થશે
ગ્રામ વિકાસ મંત્રી બાવળીયાએ કહ્યું કે ‘વોટરશેડ ડેવલપમેન્ટ 2.0’ યોજના થકી ખેડૂતો અને પર્યાવરણને અનેક લાભ થાય છે, જેમ કે પાણી જમીનમાં ઉતરવાથી કુવા અને બોરવેલ રિચાર્જ થશે, જે ખેતી માટે આશીર્વાદરૂપ બનશે અને ભૂગર્ભ જળસ્તરમાં વધારો થશે. આ ઉપરાંત વ્યાપક વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણની જાળવણી અને હરિયાળા ગુજરાતનો સંકલ્પ સાકાર થશે.
વિધાનસભા ખાતે પેટા પ્રશ્નનો જવાબ આપતા ગ્રામ વિકાસ મંત્રીએ કહ્યું હતું કે, આ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લાના 5,589 વ્યક્તિગત લાભાર્થીઓને તેમજ પંચમહાલ જિલ્લાના 150 ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. આમ, રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વોટરશેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના માધ્યમથી ગુજરાતમાં ગ્રામીણ ક્ષેત્રે જળ સ્વાવલંબન અને આર્થિક સમૃદ્ધિનો નવો યુગ શરૂ થયો છે.
આ પણ વાંચો : Bharuch News: પીશાદમાં ખેલાયો ખૂની ખેલ, સામાન્ય બોલાચાલીમાં યુવકની કરપીણ હત્યા