ભાજપ શાસિત મહારાષ્ટ્રમાં જ ભાજપના જ એક ધારાસભ્યને તેમની ઓફિસના બોર્ડ પરની ભાષાને લઈને ધમકી મળવાનો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતના કચ્છ જિલ્લાના રાપર બેઠકના ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને મુંબઈમાં આવેલા તેમના કાર્યાલયના બોર્ડ પર ગુજરાતી ભાષાને લઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરો દ્વારા ધમકાવવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
રાપરના MLA ને મહારાષ્ટ્રમાં મળી ધમકી
પ્રાપ્ત માહિતી અનુસાર, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું મુંબઈમાં પણ એક કાર્યાલય આવેલું છે. આ કાર્યાલયના બોર્ડ પર ગુજરાતી ભાષામાં લખાણ રાખવામાં આવ્યું હતું. MNS, જે મરાઠી ભાષા અને ભૂમિપુત્રોના મુદ્દે આક્રમક વલણ ધરાવે છે, તેના કેટલાક કાર્યકરોને આ બોર્ડ પર ગુજરાતી ભાષામાં લખાણ હોવાથી વાંધો પડ્યો હતો. MNS ના કાર્યકરોએ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરીને તેમને ધમકીભર્યા સૂરમાં જણાવ્યું હતું કે, કાર્યાલયનું બોર્ડ ગુજરાતી ભાષાને બદલે મરાઠી ભાષામાં રાખવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે તો પરિણામ ભોગવવાની ચીમકી પણ આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
મુંબઈમાં કાર્યાલયના બોર્ડમાં ભાષાને લઈ મળી ધમકી
આ સમગ્ર ઘટના અંગે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ભાષા વિવાદ અયોગ્ય છે. મુંબઈમાં ગુજરાતી સમાજની મોટી વસ્તી વસવાટ કરે છે અને અમારા કાર્યાલયનું બોર્ડ ગુજરાતીમાં રાખવાથી કોઈ સમસ્યા હોવી ન જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ પ્રકારની ધમકીઓ સામાજિક સૌહાર્દ અને સહઅસ્તિત્વ માટે હાનિકારક છે. આ ઘટનાએ મહારાષ્ટ્રમાં ભાષાના મુદ્દે ફરી એકવાર રાજકીય ગરમાવો લાવી દીધો છે. ભાજપના પોતાના જ એક ધારાસભ્યને અન્ય એક પક્ષના કાર્યકરો દ્વારા ધમકી મળતા, આ મામલે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા ચાલી રહી છે.