Kutchનો હાજીપીર ધોરીમાર્ગ બિસ્માર હાલતમાં, ટ્રક ફસાતા વાહનવ્યવહાર ખોરવાયો


કચ્છના આર્થિક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા હાજીપીર રાજ્યધોરી માર્ગની હાલત વરસાદ બાદ અત્યંત બદતર બની ગઈ છે. જેના કારણે વાહનચાલકો અને ખાસ કરીને મીઠાનું પરિવહન કરતી ટ્રકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. આ માર્ગની દુર્દશા જોઈને સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માર્ગ પરથી મીઠાનું પરિવહન મોટા પાયે થાય છે. જેની વિદેશોમાં નિકાસ કરીને કરોડો રૂપિયાની આવક સરકારને થાય છે.

વરસાદ બાદ રસ્તાની હાલત બદતર

તેમ છતાં આ રોડ ઘણા વર્ષોથી ઉપેક્ષિત રહ્યો છે. વરસાદ બાદ તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે નાના વાહનો તો ઠીક મોટા વાહનો પણ પસાર થઈ શકતા નથી. ગઈ રાત્રે આ જ માર્ગ પર મીઠાનું પરિવહન કરતી એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી. જેના કારણે માર્ગ બંધ થઈ ગયો હતો. કલાકો સુધી રાહ જોયા બાદ પણ કોઈ સહાય ન મળતા ટ્રક ડ્રાઈવરોએ જાતે જ પ્રયાસ કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

બિસ્માર રોડથી વાહનચાલકોનો હાલાકી

આ ઘટના તંત્રની બેદરકારીની પોલ ખોલી રહી છે. આ ખરાબ માર્ગને કારણે સ્થાનિક લોકો, સરપંચો અને વેપારીઓ દ્વારા અગાઉ અનેક વખત આંદોલનો કરવામાં આવ્યા છે અને તંત્રને રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.


  • Follow us on: