પોલીસ અધિક્ષક ૫શ્ચિમ કચ્છ-ભુજના તથા પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ-ગાંધીધામ દ્વારા કચ્છમાં માનવ વસાહત રહિત કુલ-21 નિર્જન ટાપુઓ ૫ર રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશવિરોધી પ્રવૃત્તિને રોકવા પ્રવેશ ૫ર પ્રતિબંધ મુકવા બાબતે જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજૂ થઈ હતી.
કુલ-21 ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ
જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ ૫ટેલ, કચ્છ-ભુજ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 અન્વયે કચ્છ જિલ્લાના શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર ટાપુ, સૈયદ સુલેમાન પીર ટાપુ, ચભડીયો ટાપુ, લુણ ટાપુ, ગોધરાઇ ટાપુ, મોટાપીર, હેમતલ , હાજી ઈબ્રાહીમ, ખાનાણા બેટ, ગોપી બેટ, સતોરી બેટ, ભકલ બેટ, સાવલા પીર, સુગર બેટ, પીર સનાઈ, બોયા બેટ, સેથવારા બેટ, સત સૈડા ટાપુ સહિત કુલ-21 ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે
આ જાહેરનામામાં રાજ્ય/કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ, સરકારી કામે રોકાયેલા રાજ્ય/કેન્દ્ર સરકારના કર્મચારી/અધિકારીઓને મુક્તિ આપવામાં આવશે.આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે.