કચ્છના આદિપુર શહેરમાં ગઈકાલે મોડી રાત્રે એક અત્યંત રહસ્યમય અને ભયનો માહોલ પેદા કરનારી ઘટના સામે આવી છે. આદિપુરના મુખ્ય ગણાતા ટાગોર રોડ પર આવેલી કાંટાળા બાવળની ગીચ ઝાડીઓમાંથી અચાનક એક અજ્ઞાત મહિલાના કરુણ અને ગભરાયેલા અવાજમાં 'બચાવો બચાવો'ની ચીસો સંભળાતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.
ડરામણી બૂમોને પગલે સ્થાનિક લોકો એકત્ર
મધરાતે સુમસામ રસ્તા પર સંભળાયેલી આ ડરામણી બૂમોને પગલે સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે આદિપુર પોલીસ મથકને આ અંગે માહિતગાર કરવામાં આવી હતી.
પોલીસનો કાફલો મધરાતે જ ઘટનાસ્થળે દોડી ગયો
મામલાની ગંભીરતા અને મહિલાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આદિપુર પોલીસનો કાફલો મધરાતે જ ઘટનાસ્થળે દોડી ગયો હતો. બાવળની ઝાડીઓ ખૂબ જ ગીચ અને અંધકારમય હોવાથી રાત્રિના સમયે અંદર જઈને તપાસ કરવી મુશ્કેલ હતી.
નાઇટ-વિઝન લાઈટોની મદદથી ઝાડીઓનો ખૂણેખૂણો ફંફોસવામાં આવ્યો
આથી પોલીસે આધુનિક ટેક્નોલોજીનો આશરો લીધો હતો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પોલીસે હવામાં ડ્રોન કેમેરા ઉડાવ્યા હતા. ડ્રોન કેમેરાની નાઇટ-વિઝન લાઈટોની મદદથી ઝાડીઓનો ખૂણેખૂણો ફંફોસવામાં આવ્યો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
રહેણાંક અને અવાવરુ વિસ્તારોમાં પણ સઘન તપાસ
પોલીસ અધિકારીઓ અને જવાનોએ ટાગોર રોડની આસપાસના તમામ રહેણાંક અને અવાવરુ વિસ્તારોમાં પણ સઘન તપાસ શરૂ કરી દીધી છે. આ ચીસો પાછળ કોઈ ગુનાહિત કાવતરું હતું, કોઈ મહિલા ખરેખર મુશ્કેલીમાં ફસાઈ હતી કે પછી આ કોઈની ટીખળ હતી, તે અંગે રહસ્ય હજુ અકબંધ છે.
રહીશોમાં ભારે કુતૂહલ અને ચિંતાનો માહોલ
હાલ પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે જેથી રાત્રિના સમયે ત્યાંથી પસાર થયેલા શંકાસ્પદ વાહનો કે વ્યક્તિઓની ઓળખ થઈ શકે. અડધી રાત્રે પોલીસના આ મોટા કાફલા અને ડ્રોન સર્ચ ઓપરેશનને પગલે આદિપુરના રહીશોમાં ભારે કુતૂહલ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : ગુજરાતના મહાનગરોમાં ‘વાઇફ સ્વેપિંગ’નો કાળો ખેલ, પત્નીઓની અદલાબદલીનું આ દૂષણ કેટલું ઊંડું છે?