કચ્છ જિલ્લાના વ્યસ્ત ગણાતા ભચાઉ-સામખિયાળી હાઇવે પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પરથી પસાર થઈ રહેલી એક આઈશર ટ્રકમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આખી ટ્રક આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. રાત્રિના અંધકારમાં આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતાં હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં ભારે નાસભાગ અને ફફડાટ મચી ગયો હતો.
ફાયર બ્રિગેડની 3 કલાકની ભારે જહેમત
ઘટનાની જાણ થતાં જ ભચાઉ નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત સાથે પાણીનો મારો ચલાવી આગ બઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ટ્રકમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે તેના પર સંપૂર્ણ કાબૂ મેળવતા ફાયર ટીમને 3 કલાકથી વધુ સમય લાગ્યો હતો. જો કે, રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં સમયસૂચકતા વાપરીને ડ્રાઈવર અને ક્લીનર બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આગને કારણે આઈશર ટ્રક બળીને ખાખ થઈ ગઈ છે અને માલિકને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.













