ભારતીય હવામાન વિભાગ દર વર્ષે ચોમાસા દરમિયાન અલગ-અલગ રંગના એલર્ટ જાહેર કરે છે. તાજેતરમાં જ કેરળ અને કર્ણાટકના તટીય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે, જ્યારે ઉત્તર ભારતમાં ચોમાસાની રાહ લાંબી થઈ રહી છે. ગુજરાતીઓ આતુરતાથી મેઘરાજાની રાહ જોઇ રહ્યા છે પણ મેઘરાજાએ હજું ધમાકેદાર એન્ટ્રી કરી નથી ત્યારે આ એકસપ્લેનરમાં આપણે સમજીએ કે રાજ્યમાં ક્યારે મેઘરાજા પધારશે અને અલનીનોની અસર કેવી રીતે રહશે તથા ચોમાસામાં હવામાન વિભાગ દ્વારા અપાતા એલર્ટને કઇ રીતે સમજવા જોઇએ
પાંચ દિવસથી ચોમાસું સુરત આસપાસ રોકાયું
આ મામલે સંદેશ ડિજીટલ સાથે વાત કરતા હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ કહ્યું હતું કે ચોમાસું દક્ષિણ સુરત સુધીની લાઈનમાં ગત 24 તારીખથી રોકાઇ ગયું છે, છેલ્લા પાંચ દિવસથી તે ત્યાં સ્થિર થયેલું છે.પરંતુ અરબ સાગર સક્રિય થતાં આજે મોડી સાંજથી તે આગળ વધશે અને આગામી 12થી 24 કલાકમાં પ્રગતિ કરશે. આ સિસ્ટમ આગામી 3 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને આવરી લઈને જુલાઈના પ્રથમ સપ્તાહમાં સમગ્ર ગુજરાતમાં ફેલાઈ જશે.

Also Read
Sandesh Digital Explainer : રામ મંદિરમાં દાનની ચોરી, જેના પર આખા દેશે ભરોસો કર્યો, એ જ 'ખાસ' માણસે પાછળથી ભોંક્યું ખંજર
Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?
Sandesh Digital Explainer : સ્પા કે સ્કેમ..? રિલેક્સેશનના ઓઠા હેઠળ ધમધમતી ‘સિન્ડિકેટ’ અને બરબાદ થતી યુવા પેઢી
અલ નીનોની અસરથી ગુજરાતમાં 90 થી 92 ટકા વરસાદ રહેશે
તેમણે કહ્યું હતું કે આ વર્ષે દેશમાં અલ નીનોની અસર રહેવાની છે, પરંતુ આઈઓડી પોઝિટિવ થવાને કારણે ગુજરાતને બહુ મોટું નુકસાન નહીં થાય. જો કે, છેલ્લા પાંચ વર્ષથી રાજ્યમાં જે 100% થી 130% વરસાદ પડતો હતો, તેમાં આ વખતે ઘટાડો થઈને 90% થી 92 % જેટલો જ વરસાદ નોંધાશે, એટલે કે આશરે 17% થી 18% જેટલી ઘટ રહેશે. આ ઓછો વરસાદ મુખ્યત્વે જૂન અને જુલાઈ મહિનામાં જોવા મળશે, જેમાં જૂન મહિનામાં અત્યાર સુધી માત્ર 17% જ વરસાદ પડ્યો છે, જો કે જુલાઈમાં આ વરસાદની ઘટ ઘણી ઓછી રહેવાની આશા છે.

આ વર્ષે ભારતમાં ચોમાસું કેમ મોડું પડ્યું?
દર વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળના દરિયાકાંઠે દસ્તક દે છે અને જૂનના અંત સુધીમાં અડધાથી વધુ ભારતને આવરી લે છે. પરંતુ આ વર્ષે દેશના કેટલાક મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભાગોમાં ચોમાસાની પ્રગતિ ઘણી ધીમી રહી છે અને વરસાદ મોડો પડ્યો છે. હવામાન વિજ્ઞાનીઓના મતે આ વૈશ્વિક અને સ્થાનિક આબોહવા પરિવર્તનની સંયુક્ત અસર છે, જેની પાછળ ચાર મુખ્ય વૈજ્ઞાનિક કારણો જવાબદાર છે
'અલ નીનો' ની લંબાયેલી અસરો
પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટી ગરમ થવાની ઘટનાને 'અલ નીનો' કહેવામાં આવે છે, જે વૈશ્વિક હવામાન વ્યવસ્થાને અને ખાસ કરીને ભારતીય ચોમાસાને ખોરવી નાખે છે. જો કે આ વર્ષે અલ નીનો નબળો પડી રહ્યો છે અને 'લા નીના' (જે ભારતમાં સારા વરસાદ માટે જાણીતું છે) તરફ ટ્રાન્ઝિશન થઈ રહ્યું છે, તેમ છતાં વાતાવરણમાં અલ નીનોની અસરો મે અને જૂનના શરૂઆતના અઠવાડિયા સુધી જોવા મળી હતી. આ વિલંબને કારણે ચોમાસાના પવનોને ભારતીય ઉપખંડ તરફ આગળ વધવા માટે જરૂરી તેટલી ઝડપ અને અનુકૂળ ગતિ મળી શકી નહીં.

મજબૂત એન્ટી-સાયક્લોનિક સરક્યુલેશન
મે અને જૂનના મધ્ય ભાગમાં અરબી સમુદ્ર અને ભારતના પશ્ચિમ કિનારા પર એક મજબૂત 'એન્ટી-સાયક્લોનિક' સ્થિતિ સર્જાઈ હતી. આ ભૌગોલિક સ્થિતિને કારણે પવનો ઉપર જવાને બદલે નીચે તરફ દબાય છે અને ભેજવાળા દરિયાઈ પવનો જમીન તરફ આગળ વધી શકતા નથી. પરિણામે, કેરળમાં સમયસર એન્ટ્રી કર્યા પછી પણ ચોમાસાના પવનો મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશ તરફ આગળ વધવાને બદલે લાંબા સમય સુધી એક જ જગ્યાએ સ્થિર થઈ ગયા હતા.
પશ્ચિમી વિક્ષેપની ગેરહાજરી
ઉત્તર ભારત તરફ ચોમાસાના પવનોને ખેંચી લાવવામાં પશ્ચિમી વિક્ષેપ અને સ્થાનિક લો-પ્રેશર મહત્વનો ભાગ ભજવે છે. આ વર્ષે જૂન મહિનામાં ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં આવી મજબૂત વેધર સિસ્ટમ્સ બની જ નહીં. તેના બદલે, પાકિસ્તાન તરફથી આવતા અત્યંત ગરમ અને સૂકા પવનો એ ઉત્તર ભારત પર લાંબો સમય કબજો જમાવી રાખ્યો, જેના કારણે ભેજવાળા ચોમાસાના પવનો આગળ વધવામાં નિષ્ફળ રહ્યા.
બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ ન બનવી
ચોમાસું સમગ્ર ભારતમાં સમાન રીતે ફેલાય તે માટે બંગાળની ખાડીમાં 'લો પ્રેશર એરિયા' અથવા 'ડિપ્રેશન' બનવું ખૂબ જ અનિવાર્ય છે. આ સિસ્ટમ્સ વરસાદી વાદળોને પૂર્વ ભારત (પશ્ચિમ બંગાળ, ઓડિશા) થી ખેંચીને મધ્ય અને ઉત્તર ભારત તરફ ધકેલે છે. જૂનના પ્રથમ પખવાડિયામાં બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય ન થઈ, જેના કારણે પૂર્વોત્તર રાજ્યોમાં તો સારો વરસાદ થયો, પરંતુ ગંગાના વિસ્તારો યુપી, બિહાર, દિલ્હી લાંબા સમય સુધી તરસ્યા રહ્યા છે.

લાંબા ગાળાની અસર અને આગામી રાહતની આશા
ચોમાસું મોડું પડવાને કારણે જૂન મહિનામાં ખરીફ પાક જેમ કે ડાંગર, મકાઈ, કપાસ અને સોયાબીનની વાવણીમાં નોંધપાત્ર વિલંબ થયો છે, જે ભારતીય કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે. જો કે, રાહતની વાત એ છે કે જૂનના છેલ્લા અઠવાડિયાથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફથી ચોમાસાની સિસ્ટમ ફરી સક્રિય અને મજબૂત બની રહી છે.
હવામાન વિભાગના કલર કોડેડ એલર્ટ્સ શું છે?
જ્યારે પણ કોઈ કુદરતી આપત્તિ જેમ કે ભારે વરસાદ, વાવાઝોડું, પૂર અથવા હીટવેવ (લૂ) આવવાની શક્યતા હોય, ત્યારે IMD લોકોને અને વહીવટીતંત્રને સચેત કરવા માટે ચાર મુખ્ય રંગો લીલો, પીળો, નારંગી અને લાલનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમનો મુખ્ય હેતુ વહીવટી તંત્રને આપત્તિ વ્યવસ્થાપન માટે પૂરતો સમય આપવાનો અને સામાન્ય જનજીવનને જાનમાલના નુકસાનથી બચાવવાનો છે.
ગ્રીન એલર્ટ – 'બધું સામાન્ય છે'
અર્થ: ગ્રીન એલર્ટનો અર્થ એ છે કે હવામાન બિલકુલ સામાન્ય છે અને આગામી દિવસોમાં કોઈ ગંભીર ખતરો કે આપત્તિની સંભાવના નથી.
ક્યારે અપાય?: જ્યારે આગામી થોડા દિવસોમાં માત્ર હળવો વરસાદ થવાનો હોય અથવા વાતાવરણ સ્થિર રહેવાનું હોય.
તમારે શું કરવું?: સામાન્ય દિનચર્યા ચાલુ રાખો, કોઈ ખાસ તૈયારી કે ચિંતા કરવાની જરૂર નથી.

યલો એલર્ટ – 'નજરમાં રાખો અને સાવધ રહો'
અર્થ: યલો એલર્ટ એ ભવિષ્યમાં આવનારા સંભવિત જોખમની પ્રારંભિક ચેતવણી છે. તેનો અર્થ એ છે કે હવામાનની સ્થિતિ ધીમે-ધીમે બગડી શકે છે.
ક્યારે અપાય?: જ્યારે થોડા કલાકો કે દિવસો સુધી સતત મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા હોય, જેના કારણે રોજિંદા જીવનમાં ટ્રાફિક જામ અથવા રસ્તા પર પાણી ભરાવા જેવી અડચણો આવી શકે.
તમારે શું કરવું?: આ એલર્ટ વહીવટીતંત્ર અને સામાન્ય લોકોને સતત 'અપડેટ' રહેવા માટે સૂચવે છે. બહાર જતાં પહેલાં સ્થાનિક ન્યૂઝ અને હવામાનની માહિતી ચેક કરતા રહો.
ઓરેન્જ એલર્ટ – 'તૈયાર રહો અને સાવચેત રહો'
અર્થ: ઓરેન્જ એલર્ટ એટલે જોખમ ખૂબ નજીક છે અને તેની વ્યાપક અસરો જોવા મળી શકે છે. આ એલર્ટ અત્યંત ગંભીર હવામાનની પૂર્વચેતવણી છે.
ક્યારે અપાય?: જ્યારે ખૂબ જ ભારેથી અતિ વરસાદ થવાની સંભાવના હોય. આના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, વીજળી ગુલ થઈ શકે છે અને વાહનવ્યવહાર ઠપ્પ થઈ શકે છે.
તમારે શું કરવું?: બિનજરૂરી પ્રવાસ સંપૂર્ણપણે ટાળો. વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્ત પાલન કરો અને ઘરમાં ઈમરજન્સી કીટ તૈયાર રાખો.
રેડ એલર્ટ – 'તરત જ એક્શન લો અને સુરક્ષિત રહો'
અર્થ: આ સૌથી સર્વોચ્ચ અને અત્યંત ખતરનાક સ્તરની ચેતવણી છે. તેનો અર્થ એ છે કે પ્રતિકૂળ હવામાનને કારણે મોટી તબાહી અને જાનમાલનું મોટું નુકસાન થઈ શકે છે.
ક્યારે અપાય?: જ્યારે 'અત્યંત ભારે વરસાદ' થવાની આશંકા હોય. આ સ્થિતિમાં વિનાશક પૂર, લેન્ડસ્લાઇડ અને નદીઓનું સ્તર જોખમી નિશાનથી ઉપર જવાની પૂરી સંભાવના હોય છે.
તમારે શું કરવું?: બિલકુલ ઘરમાં જ રહો. જો તમે જોખમી કે નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા હોવ તો પ્રશાસનની મદદથી તરત જ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરો. આ આપત્તિ વ્યવસ્થાપન સંપૂર્ણપણે સક્રિય કરવાનો સમય છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : યુરોપના તમામ દેશોમાં ‘હીટ ડોમ’નો કાળો કેર, AC ખરીદવા પડાપડી, જાણો આટલી બધી ભીષણ ગરમીનું અસલી કારણ










