કચ્છ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ઉનાળુ વેકેશન બાદ રાજ્યભરની શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. પરંતુ રાપર તાલુકાની એક શાળામાં હજુ પણ વેકેશનનો માહોલ પૂર્ણ થયો નથી. વિદ્યાર્થીઓ દરરોજ શાળાએ જાય છે. અને શાળા પર ખંભાતી તાળું જોઈ નિરાશ થઈ ધરે પાછા ફરે છે. બાળકોમાં અભ્યાસની લગન છે જયારે શાળા સંચાલકો અને શિક્ષકો ફક્ત વેકેશનના માહોલમાં વ્યસ્ત છે.


બાળકો શિક્ષણથી વંચિત

શિક્ષક ના આવતા બાળકો શિક્ષણથી વંચિત થયા. ત્યારે તેમના પરિવારજનો આક્રોશ ઠાલવી રહ્યા છે કે આખરે કોણ સાંભળશે અમારી રજૂઆત. રાપર તાલુકાના ભીમદેવકા ગામની આ ઘટના છે. જ્યાં ઉનાળા વેકેશન બાદ પણ શાળા ખુલી જ નથી. ભીમદેવકા ગામમાં એકમાત્ર ભાવેશનગર પ્રાથમિક શાળા છે. ગામના મોટાભાગના બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે.

પરિવારે શાળા સંચાલકોને કરી રજૂઆત

અત્યારે રાજ્યની તમામ શાળાઓ ખુલી ગઈ છે ત્યારે ભાવેશનગર શાળા બહાર મોટું ખંભાતી તાળુ લટકે છે. બાળકોના પરિવાર દ્વારા આ મામલે શાળા સંચાલકોને રજૂઆત કરવામાં આવી. પરિવાર દ્વારા જ્યારે સંચાલકોને પૂછવામાં આવ્યું કે આખરે ભાવશેનગશાળા કયારે શરૂ થશે અને કયારે તેમના બાળકો અભ્યાસ કરશે. ત્યારે પહેલા ગલ્લા-તલ્લાં કરવામાં આવ્યા. પછી લૂલો બચાવ કરતાં જણાવાયું કે શિક્ષક થોડા દિવસ બહાર ગયા હોવાથી આવી જશે.

અન્ય શિક્ષકની ફાળવણીની માગ

ભાવેશનગર પ્રાથમિક શાળામાં 35થી વધુ બાળકો અભ્યાસ કરે છે. બાળકોના પરિવારની રજૂઆત બાદ પણ શિક્ષકના પ્રશ્નનો ઉકેલ આવ્યો નહી. ઘણો સમય થવા છતાં પણ શિક્ષક શાળામાં આવ્યા નથી. બાળકોમાં અભ્યાસ કરવાનો ઉત્સાહ છે. એટલે તેઓ દરરોજ શાળાના સમય મુજબ તૈયાર થઈ ત્યાં જાય છે. પરંતુ શિક્ષકના અભાવે શાળા પર અલગીઢ તાળું લાગતા તેમને ધરમધક્કો પડે છે અને નિરાશ ચહેરે ઘરે પાછા ફરે છે. સંદેશ ન્યૂઝ મારફતે બાળકોના પરિવાર દ્વારા રજૂઆત કરવામાં આવી કે બાળકોના ભવિષ્ય સાથે ચેડાં ના કરવામાં આવે. શાળામાં એક જ શિક્ષક છે એટલે અન્ય શિક્ષકની ફાળવણી કરવામાં આવે. 

  • Follow us on: