કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આજે સવારે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એસટી બસ પલટી ખાઈ જતાં 6 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત અબડાસાના સણોસરા ગામ નજીકના માર્ગ પર સર્જાયો હતો. ST બસ પોતાના રૂટ પર જઈ રહી હતી ત્યારે અચાનક ડ્રાઇવરે કોઈ કારણોસર બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતાં જ બસ પલટી મારીને રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી.


એસટી બસ પલટી મારી જતાં  સર્જાયો અકસ્માત

બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર આશરે 5 થી 6 મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. ઇજાગ્રસ્ત થયેલા તમામ મુસાફરોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માત કયા કારણોસર થયો તેની તપાસ શરૂ કરી છે. ડ્રાઇવરની બેદરકારી, માર્ગની સ્થિતિ અથવા અન્ય કોઈ યાંત્રિક ખામી જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.


  • Follow us on: