મહુવાના ભવાની મંદિર પાસે આવેલા દરિયામાં જીલ જલણી અગિયારસના પાવન પર્વ નિમિત્તે સ્નાન કરવા ગયેલા બે યુવાનો ડૂબ્યા હતા. જેમાં એક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે બીજા યુવાનનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. જીલ જલણી અગિયારસના દિવસે નદી અથવા દરિયામાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ હોય છે. જેના કારણે અનેક શ્રદ્ધાળુઓ દરિયા કિનારે ઉમટી પડ્યા હતા.


ન્હાવા પડેલા બે યુવાનો દરિયામાં ડૂબ્યા હતા

આ દરમિયાન બે યુવાનો દરિયાના પાણીમાં ઊંડે ગયા અને ડૂબવા લાગ્યા. ત્યાં ફરજ પર હાજર SRDના જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ આ દૃશ્ય જોતા તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક તરવૈયાઓની સમયસરની મદદથી એક યુવાનને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યો હતો. જોકે બીજા યુવાનનો ઊંડા પાણીમાં ગરકાવ થવાથી મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવાનની ઓળખ યોગેશ ચૌહાણ તરીકે થઈ છે.

SRD જવાનોએ સ્થાનિક તરવૈયાની મદદથી એકનો આબાદ બચાવ કર્યો

બચાવ કામગીરી બાદ યુવાનને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર ધાર્મિક તહેવારો દરમિયાન પાણીના સ્થળોએ સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તંત્ર દ્વારા આવા સ્થળો પર વધુ સુરક્ષા વ્યવસ્થા અને જીવરક્ષક દળ તૈનાત કરવા જરૂરી છે. જેથી ભવિષ્યમાં આવા દુઃખદ બનાવોને ટાળી શકાય. મૃતકના પરિવારે આ ઘટનાથી ઊંડો આઘાત અનુભવ્યો છે.


  • Follow us on: