ભાવનગરની મહુવા નગર પાલિકા સુપરસીડ થાય તેવા સંકેત મળી રહ્યાં છે. મહુવા નગરપાલિકામાં ભાજપના 25 સભ્યો વચ્ચે જૂથવાદના કારણે વિવાદ વકર્યો છે. 19 સભ્યોએ બજેટની વિરૂદ્ધમા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બજેટ રજૂ કરવા માટે 22 એપ્રિલ છેલ્લી તારીખ છે. જો બજેટ પસાર નહીં થાય તો પાલિકા સુપરસીડ થઈ શકે છે. આ અંગે પ્રાદેશિક કમિશ્નરે પાલિકાના પ્રમુખ સહિત 36 કોર્પોરેટરને નોટીસ પાઠવીને જવાબ માંગ્યો છે.
પ્રાદેશિક કમિશ્નરે નગરપાલિકાના પ્રમુખ સહિત 36 કોર્પોરેટરોનો ખુલાસો માંગ્યો
ભાવનગરની મહુવા નગરપાલિકામાં આવતીકાલે બજેટ રજૂ કરવાની અંતિમ તારીખ છે. જો આવતીકાલે બજેટ રજૂ ના થાય તો પાલિકા સુપરસીડ થવાની શક્યતાઓ છે.ભાજપના આંતરિક વિવાદના કારણે પાલિકા સુપરસીડ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. પ્રાદેશિક કમિશ્નરે નગરપાલિકાના પ્રમુખ સહિત 36 કોર્પોરેટરોને નોટીસ ફટકારી છે. તેમજ આ મુદ્દે ખુલાસો પણ માંગ્યો છે. હાલ નગરપાલિકામાં 36 કોર્પોરેટરોમાં 25 ભાજપના, પાંચ કોંગ્રેસના અને 6 સમાજવાદી પાર્ટીના છે.
ભાજપના 19 સભ્યોએ બજેટની વિરૂદ્ધમાં પ્રસ્તાવ રજૂ કર્યો
ભાજપના 25 સભ્યોમાંથી 19 સભ્યોએ બજેટની વિરૂદ્ધમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને બજેટ ના મંજૂર થયું હતું. આ તમામ સભ્યોને પ્રાદેશિક કમિશનર દ્વારા નોટીસ ફટકારાઈ છે. કાયદાના નિયમ પ્રમાણે બજેટ પસાર કરવા માટે 22 એપ્રિલ છેલ્લી તારીખ આપવામાં આવી છે. બીજી તરફ રાજ્ય સરકારે પણ મહુવા નગરપાલિકાને નોટીસ મોકલી છે. આ નોટીસમાં સરકારે નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી તેનો ખુલાસો માંગ્યો છે.બીજી તરફ નગરપાલિકા પ્રમુખને 22 એપ્રિલે સામાન્ય સભા બોલાવવાની હતી જે બાબતે પણ સભ્યોને કોઈ નોટીસ મળી નથી.