અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે ગંભીર ઘટના સામે આવી છે, જેમાં દાહોદના કોટડાખુર્દ ગામની 6 વર્ષીય બાળકી રિયા રાજુ ગુંડીયા પર ત્રણ શ્વાને હુમલો કર્યો હતો. બાળકી પોતાના પરિવાર સાથે બાવળા ખાતેના રૂમ પર રહેતી હતી અને ગઈકાલે ઘરની બહાર રમી રહી હતી. તે દરમિયાન એક બાદ એક ત્રણ શ્વાને બાળકીને પકડી હતી અને ઘસેડીને કરડવાનું શરૂ કર્યું હતું.
બૂમાબૂમ થતા લોકોએ બાળકીને બચાવી
બાળકીની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને માંડ માંડ બાળકીને શ્વાનથી દૂર કરી હતી. આ હુમલામાં માસૂમ બાળકીને ગળા અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. પ્રાથમિક સારવાર બાદ પરિવાર બાળકીને લઈને વધુ સારવાર માટે દાહોદની સિવિલ ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવ્યો છે. શ્વાનના હુમલાની આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.













