અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં મોડી રાત્રે બે પક્ષો વચ્ચે થયેલા ઝઘડાએ હિંસક વળાંક લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોતાના ભાઈને છોડાવવા માટે વચ્ચે પડેલા પવન નામના યુવક પર કેટલાક શખ્સોએ ખંજર વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ અત્યંત ક્રૂરતાપૂર્વક પવનના ગળા અને છાતીના ભાગે ખંજરના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. હાલમાં ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે તુલસી હોસ્પિટલના ICUમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


પરિવાર પર પણ હુમલો અને સોનાની ચેઈનની લૂંટ

મુખ્ય આરોપી બંકુ શ્રીકાંત ઉર્ફે સિરીયો મનોજ ગુમાનેએ પવનના ભાઈ સુમીત સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. ઝઘડો વધતા પવનની પત્ની તીર્થના અને ભાઈ સુમીત વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. આ હિંસક હુમલામાં આરોપી પરેશ મનોજ ગુમાને, કૃષ્ણકાંત ઉર્ફે કાનો મનોજ ગુમાને અને આકાશ ઈન્દ્રેકર પણ જોડાયા હતા. હુમલા દરમિયાન અફરાતફરીનો લાભ લઈ પવનના ગળામાંથી અંદાજે રૂ. 90,000ની કિંમતની 1.5 તોલાની સોનાની ચેઈન પણ ગુમ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

સરદારનગર પોલીસે આરોપીઓ સામે નોંધ્યો ગુનો

આ મામલે પવનના પરિવાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે સરદારનગર પોલીસે પાંચેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તેમના સંભવિત રહેઠાણો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. કુબેરનગરમાં મોડી રાત્રે થયેલા આ હુમલાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદન લઈને વધુ પુરાવા એકત્ર કરી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: