અમદાવાદના ધંધુકામાં થયેલી ધર્મેશ નામના યુવાનની હત્યાના મામલે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંવેદનશીલ કેસમાં મૃતકના પરિવારને ઝડપી અને નિષ્પક્ષ ન્યાય મળી રહે તે હેતુથી ખાસ SIT (Special Investigation Team) ની રચના કરવામાં આવી છે.


DySP ના નેતૃત્વમાં હાઈ-લેવલ તપાસ

ધંધુકા હત્યા કેસની ગંભીરતાને જોતા આ તપાસ હવે DySP પ્રકાશ પ્રજાપતિ ને સોંપવામાં આવી છે. તેમની અધ્યક્ષતામાં રચાયેલી આ SIT ટીમમાં અનુભવી પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ ઘટનાના દરેક પાસાઓની ઝીણવટભરી તપાસ કરશે, જેથી કોઈ પણ કસૂરવાર બચી ન શકે.

SIT ટીમમાં સામેલ અધિકારીઓ

આ વિશેષ તપાસ ટીમમાં કુલ 4 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં પ્રકાશ પ્રજાપતિ (DySP) - ટીમ લીડર, રઘુ કરમટીયા (PI), કરણ વિહોલ (PI) અને એસ.એચ. ઝાલા (PSI)નો સમાવેશ થાય છે.

દરરોજ મોનિટરિંગ અને સાપ્તાહિક રિપોર્ટ

તપાસમાં પારદર્શિતા જળવાય તે માટે SIT ને ખાસ સૂચના આપવામાં આવી છે. આ ટીમ દ્વારા કરવામાં આવતી તપાસનું દરરોજ મોનિટરિંગ કરવામાં આવશે. એટલું જ નહીં, તપાસની પ્રગતિ અંગેનો વિસ્તૃત રિપોર્ટ દર અઠવાડિયે ઉચ્ચ અધિકારીઓને સોંપવાનો રહેશે. SIT ની રચના થતા હવે તપાસમાં વધુ ગતિ આવશે અને ગુપ્ત પુરાવાઓ એકત્ર કરવામાં સરળતા રહેશે.

પરિવારને ન્યાયની આશા

ભરવાડ યુવાનની કરપીણ હત્યાને પગલે સ્થાનિક સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે SIT ની રચના થતા પરિવારજનોમાં ઝડપી ન્યાયની આશા જાગી છે. પોલીસનું પ્રાથમિક લક્ષ્ય તમામ આરોપીઓને સખત સજા અપાવી દાખલો બેસાડવાનો છે.


આ પણ વાંચો - Ahmedabad News: ધંધુકા હત્યાકાંડ બાદ શહેરમાં તંગદિલી વચ્ચે પોલીસનું મેગા કોમ્બિંગ, બે તીક્ષ્ણ હથિયારો જપ્ત



  • Follow us on: