અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા ધમધમતા માણેકચોક વિસ્તારમાં આજે આગની એક ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. અહીં આવેલી જીણાભાઈ ચેમ્બર્સના ભોંયરામાં અચાનક આગ ફાટી નીકળી હતી. ભરચક બજારમાં આગ લાગવાના સમાચાર મળતા જ વેપારીઓ અને ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સદનસીબે, ફાયર વિભાગની ત્વરિત કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી છે.
શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા
આગ જીણાભાઈ ચેમ્બર્સના ભોંયરામાં આવેલી વીજ મીટર પેટીમાં લાગી હતી. મીટર પેટીમાં અચાનક ધડાકા સાથે આગ લાગ્યા બાદ ધુમાડાના ગોટેગોટા બહાર નીકળવા લાગ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. ભોંયરામાં આગ લાગી હોવાથી ધુમાડો ઝડપથી ફેલાયો હતો, જેને પગલે બિલ્ડિંગમાં રહેલા લોકો સલામત રીતે બહાર દોડી આવ્યા હતા.













