અમદાવાદના વ્યસ્ત ગણાતા સારંગપુર વિસ્તારમાં આવેલી જાણીતી કાપડ માર્કેટમાં આજે આગની ઘટના બનતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સારંગપુરની સફલ-૧ (SAFAL-1) બિલ્ડિંગના C-બ્લોકમાં ઉપરના માળે અચાનક આગ ફાટી નીકળી હતી. કાપડનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કાળા ડીબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા.
SAFAL-1 બિલ્ડિંગમાં આગની ઘટના
આગ લાગતાની સાથે જ માર્કેટમાં નાસભાગ મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. કાપડના ગોડાઉન અને દુકાનોમાં લાગેલી આગને પગલે આસપાસની દુકાનો પણ ખાલી કરાવી દેવામાં આવી હતી. ફાયર ફાઈટરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. બિલ્ડિંગના ઉપરના માળે આગ હોવાથી ફાયરના જવાનોને હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવાની પણ ફરજ પડી છે.













