અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ગેરકાયદે બાંધકામો અને દબાણો સામે ઝુંબેશ તેજ કરવામાં આવી છે. આ કડીમાં આજે શહેરના દક્ષિણ ઝોનમાં આવતા બહેરામપુરા વિસ્તારમાં મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બહેરામપુરાના ફૈઝલનગર પાસે કુખ્યાત આરોપી રફીક વેપારી દ્વારા બનાવવામાં આવેલા ત્રણ માળના ગેરકાયદે મકાન પર તંત્રએ ડિમોલિશનની કામગીરી કરી હતી.
મંજૂરી વગર મકાન ઉભું કરી દેવાયું
મળતી માહિતી અનુસાર, રફીક વેપારીએ કોઈપણ પ્રકારની મંજૂરી વગર ફૈઝલનગર વિસ્તારમાં આ રહેણાંક મકાન ઊભું કરી દીધું હતું. આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ પણ આરોપીને અનેકવાર નોટિસ પાઠવવામાં આવી હતી અને ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં, આરોપી દ્વારા મનપાની નોટિસને અવગણીને બાંધકામ યથાવત રાખવામાં આવ્યું હતું.
