કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવોને અટકાવવા અને વણ ઉકેલ્યા ગુનાઓને ઉકેલવા માટે પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અંજાર પોલીસને મોટી સફળતા મળી છે. થોડાં દિવસો અગાઉ અંજાર શહેરના પોશ વિસ્તાર ગણાતી જૈન કોલોનીમાં રહેતા એક વકીલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.


અલગ અલગ 9 જેટલી ટીમોની રચના કરાઇ

મળતી માહિતી પ્રમાણે અંજારમાં થયેલી ચોરીને પગલે પોલીસે આરોપીઓને પકડવા માટે આકાશ પાતાળ એક કર્યા હતા. ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા અલગ અલગ 9 જેટલી ટીમોની રચના કરવામાં આવી હતી. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસે શહેરના વિવિધ માર્ગો અને ચોરીના સ્થળની આસપાસના આશરે 350 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજનું ઝીણવટભર્યુ એનાલિસિસ કર્યુ હતું.

સીસીટીવી કેમેરા અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આરોપીઓને દબોચ્યા

ત્રીજી આંખ ગણાતા સીસીટીવી કેમેરા અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસે આખરે બે આરોપીઓને દબોચી લીધા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓએ માત્ર વકીલના ઘરે જ નહીં, પરંતુ અંજાર અને આદિપુર વિસ્તારમાં અન્ય ઘરફોડ ચોરીઓને પણ અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા સોના-ચાંદીના આભૂષણો, ગુનામાં ઉપયોગમાં લેવાયેલું સ્કૂટર અને મોબાઈલ ફોન સહિતનો કિંમતી મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરી બદલ અંજાર પોલીસની ટીમની પ્રશંસા થઈ રહી છે અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચોઃ Rajkot: સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર, 26 જાન્યુઆરીથી વેરાવળ-બાંદ્રા વચ્ચે નવી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ


  • Follow us on: