અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના  આવેલા પ્રખ્યાત દાંડી પુલ નજીક એક મોંઘીદાટ વોલ્વો કાર અચાનક કેનાલમાં ખાબકતા ભારે અફડાતફડી મચી ગઈ હતી. ચંદ્રભાગા બ્રિજ નીચેથી પસાર થતી કેનાલ પાસે સર્જાયેલી આ દુર્ઘટનામાં કારની અંદર સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.


ગરનાળું પૂરવાની કામગિરી

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચંદ્રભાગા બ્રિજ પાસે તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગરનાળું પૂરવાની અને કેનાલને સરખી કરવાની કામગીરી ચાલી રહી છે. મધ્યરાત્રિના સમયે આ કામકાજ ચાલુ હતું તે દરમિયાન જ આ લક્ઝુરિયસ કાર અચાનક સીધી કેનાલની અંદર ખાબકી ગઈ હતી.

 સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા ન હતા

આસપાસના લોકોનો આક્ષેપ છે કે, રાત્રિના સમયે આ સ્થળે કોઈ પૂરતી બેરિકેડિંગ કે ચેતવણી આપતા સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા ન હતા, જેના કારણે કાર ચાલક અંધારામાં રસ્તો સમજી શક્યો ન હતો અને આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક આ વિસ્તારથી અજાણ્યો હોવાથી પણ આ ગફલત થઈ હોવાની પ્રબળ શક્યતા જોવાઈ રહી છે.

 પૂરતી સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે તેવી માગ

અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક રહીશો અને વાહનચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. કારમાં સવાર બંને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ક્રેન સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને કેનાલમાંથી કાર બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. રાત્રિના સમયે ચાલતા આવા વિકાસકાર્યોના સ્થળો પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.


આ પણ વાંચો---    Gujarat Latest News live : જૂનાગઢમાં ગીર જંગલમાં આઇસોલેશનમાં રહેલા 7 સિંહોને મુક્ત કરાયા

  • Follow us on: