અમદાવાદમાં વધુ એક પરિણીતા સાસરિયાઓના ત્રાસનો શિકાર બની છે. શહેરના પશ્ચિમ મહિલા પોલીસ મથકે એક પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ છેતરપિંડી અને શારીરિક-માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. આ કેસમાં પતિએ અગાઉના લગ્ન છુપાવીને યુવતી સાથે લગ્ન કર્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે.


છેતરપિંડી અને દહેજની માંગણી

ફરિયાદ મુજબ, પરિણીતાના લગ્ન થયા ત્યારે પતિએ પોતે અગાઉ પરણેલો હોવાની વાત છુપાવી હતી. લગ્ન બાદ થોડો સમય બધું બરાબર ચાલ્યું, પરંતુ ત્યારબાદ અસલી ચહેરો સામે આવ્યો હતો. પરિણીતાને પિયર પક્ષ તરફથી દહેજમાં એક પ્લોટ આપવામાં આવ્યો હતો. આ પ્લોટ પડાવી લીધો હતો અને પરિણીતાને ઢોર માર મારવામાં આવતો હતો

પુત્રીના જન્મ બાદ વધ્યો ત્રાસ

પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, જ્યારે તેણે પુત્રીને જન્મ આપ્યો ત્યારે સાસરિયાઓની હેરાનગતિ પરાકાષ્ઠાએ પહોંચી હતી. દીકરીના જન્મના વધામણાં કરવાને બદલે સાસરિયાઓએ તેને મેણાં-ટોણાં મારવાનું અને શારીરિક શ્રમ કરાવવાનું શરૂ કર્યું હતું. અંતે સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ન્યાય મેળવવા માટે પોલીસનો સહારો લીધો છે.

પોલીસ કાર્યવાહી

અમદાવાદના પશ્ચિમ મહિલા પોલીસ મથકે પતિ સહિત સાસરિયાના અન્ય સભ્યો વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા અને ઘરેલું હિંસાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે પરિણીતાનું નિવેદન નોંધીને સાસરી પક્ષના સભ્યોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે..


આ પણ વાંચો---    Gandhinagar : અધિકારીઓ બેલગામ? ધારાસભ્યોને પણ નથી ગણતા! વિધાનસભાની કમિટીમાં કરી ફરિયાદ


  • Follow us on: