અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ખાદ્ય તેલના ફરી ઉપયોગ અને સ્વચ્છતા સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ શહેરના 50 ફરસાણ અને ખાદ્ય એકમોને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારી છે. દૈનિક 50 લીટર કે તેથી વધુ ખાદ્ય તેલનો ઉપયોગ કરનાર એકમો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ નોટિસ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમોના ભંગ બદલ આપવામાં આવી છે. FSSAI નિયમ મુજબ ઉપયોગમાં લેવાતા તેલમાં કુલ પોલર સંયોજનોનું પ્રમાણ 25 ટકાથી વધવું ન જોઈએ.
તેલનો વારંવાર ઉપયોગ કરનારને નોટિસ
ઉપયોગ થયેલા તેલનો ફરી ઉપયોગ ન થાય તેની ખાતરી કરવા માટે તેલના વપરાશનું રજિસ્ટર જાળવવાનો આદેશ અપાયો છે. નોટિસ મેળવનારા મુખ્ય એકમોમાં નરોડાના ગ્વાલિયા સ્વીટ અને સમ્રાટ નમકીન, આસ્ટોડીયા ભજીયા હાઉસ, મણિનગરના લિજ્જત ખમણ, ગોતાના અંબિકા દાળવડા અને સ્ટેડિયમના ન્યુ ઓસવાલ રેસ્ટોરન્ટ સહિત કુલ 50 એકમોનો સમાવેશ થાય છે. AMC દ્વારા જાહેર જનતાના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આ પગલું લેવામાં આવ્યું છે.













