ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે થઈ રહેલા યુદ્ધ વચ્ચે અનેક ગુજરાતીઓ વિદેશમાં ફસાયા હતાં. દુબઈ સહિતના દેશોમાં ગયેલા ગુજરાતીઓ વિમાની સેવા બંધ થવાને કારણે ફસાયા હતાં. આ ગુજરાતીઓને વતન પરત લાવવા માટે સરકારે વ્યવસ્થા કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર આ ગુજરાતીઓ પહોંચ્યા હતાં. બીજી તરફ ઉમરા કરવા માટે ગયેલા લોકો પણ હેમખેમ પરત ફર્યા હતાં.
સરકારે બે દિવસમા જ વ્યવસ્થા કરી
અમદાવાદ એરપોર્ટ પર પરત ફરેલા ગુજરાતીઓનું તેમના સ્વજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. 200થી વધુ ગુજરાતીઓ પરત ફર્યા હતાં. સ્વજનોનું કહેવું હતું કે, અમારા પરિવારના લોકો યુદ્ધની સ્થિતિમાં ફસાઈ ગયા હતાં જે હવે પરત ફર્યા છે. સરકારે ફ્લાઈટની વ્યવસ્થા કરી જેના કારણે તેઓ પરત ફરી શક્યા છે. અમે સરકારનો આભાર માનીએ છીએ. સાઉદી અરબ ગયેલા લોકોને રિટર્ન ફ્લાઈટ કેન્સલ થવાથી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 45 લોકોનું ગ્રુપ હતું જેને લાવવા માટે સરકારે બે દિવસમા જ વ્યવસ્થા કરી હતી.













