ગુજરાતના પ્રવાસે પધારેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતશાહે અમદાવાદને અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ ધરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કર્યા હતા. દેવનગર ખાતે નિર્માણ પામનાર મીની સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત સહિત વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ગૃહયોજના હેઠળ નિર્માણ પામેલા 465 આવાસો અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા 1573 આવાસોનો ડ્રો પણ કરવામાં આવ્યો હતો. આવાસોના લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે આવાસની ચાવી કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.
અનેક શહેરોને અમદાવાદ પ્રેરણા આપી રહ્યું છે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વિવિધ વિકાસ પ્રકલ્પો પ્રજાને અર્પણ કરતા જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં શરૂ કરેલ ખેલ મહાકુંભની યાત્રા આજે દેશમાં ખેલો ઇન્ડિયા થકી આગળ વધી છે. જેના દ્વારા અનેક ખેલાડીઓ તેમના શરીર અને મનને મજબૂત કરી રહ્યા છે. જીતવાનું ઝનૂન અને હારમાં નિરાશ નહિ થવાના સંસ્કાર પણ ખેલકૂદથી મળી રહ્યા છે. અમદાવાદમાં અનેક રમત સંકુલ સહિત આંતરરાષ્ટ્રીય કક્ષાની વ્યસ્થા થઈ છે જેના પગલે ખેલાડીઑ પાંચ કિલોમીટરની અંદર આ સુવિધાનો લાભ લઈ પોતાની પ્રતિભાને ઉજાગર કરી રહ્યા છે.શહેરમાં ઓવરબ્રિજની નીચે નાના ખેલ સંકુલો, પુસ્તકાલય, ઓપન જિમ,યોગ સંકુલો બનાવી અનેક શહેરોને અમદાવાદ પ્રેરણા આપી રહ્યું છે
2036 ઓલમ્પિક માટે અમદાવાદે તૈયારી કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે વિશ્વનુ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનવા સાથે સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાઓ થકી કોમનવેલ્થ ૨૦૩૦ની યજમાની અમદાવાદને મળી છે, સાથે આગામી ૨૦૨૯માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડ જવાનોની રમત અને ૧૩ જેટલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સાથે ૨૦૩૬ ઓલમ્પિક માટે અમદાવાદે તૈયારી કરી છે. સમગ્ર વિશ્વના નકશામાં અમદાવાદ ખેલક્ષેત્રે અગ્રિમ સ્થાન પર અંકિત થઈ રહ્યું છે. ૧૫૦૦ કરોડથી વધુ વિકાસના કામો માટે રાજ્યના મુખ્યમંત્રી સહિત સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ કામો વિકાસના બજેટમાં ઉમેરાવાના છે, વિકાસનો કોઇ આયામ છુટી ન જાય તેની કાળજી રાખી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વિકાસ યાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે
મોદીના નેતૃત્વમાં દેશમાં દરેક ક્ષેત્રે વિકાસ થઇ રહ્યો છે
અમિત શાહે ઉમેર્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં દરેક ક્ષેત્રે વિકાસ થઇ રહ્યો છે, દેશને મહાન બનાવવના સંકલ્પ સાથે સરકાર કામ કરી રહી છે ત્યારે નેતા અને નિતી વગરનાઓને દેશની જનતા કોઇ પણ ખૂણામાં સ્થાન આપી નથી રહી જે સરકાર પ્રત્યે જનતાની વિશ્વસનીયતા બતાવે છે. દેશમાં સુરક્ષા,અર્થતંત્ર, માળખાકીય સુવિધાઓ, સિંચાઇની સુવિધામાં વધારો, અનાજના ઉત્પાદનમાં વધારો, એમએસપી ખરીદીમાં વધારો જેવા અનેક આયામો થકી દેશની પ્રતિષ્ઠા દેશના પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં દુનિયાભરમાં વધી રહી છે તેમ જણાવ્યું હતું. વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં સાકાર થવા જઈ રહ્યો છે. એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સીટી ધોલેરા ગુજરાતમાં નિર્માણ પામી રહ્યું છે. ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ હાઈવે સુરત-ચેન્નઈ હાઇવે ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી,બિહારમાં NDAની સરકાર બની હવે બંગાળ અને તામિલનાડુમાં પણ બનશેઃ અમિત શાહ