અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગંદકી ફેલાવતા એકમો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન, જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતા અને કચરાનો યોગ્ય નિકાલ ન કરતા કુલ 42 જેટલા વ્યાપારી એકમોને વહીવટી નોટિસ ફટકારવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શહેરમાં સ્વચ્છતા જાળવવાનો અને રોગચાળો ફેલાતો અટકાવવાનો છે.


ઘાટલોડિયા, ગોતા અને બોડકદેવના જાણીતા એકમો પર તવાઈ

આ તપાસ દરમિયાન ગંભીર બેદરકારી દાખવતા ૪ એકમોને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી 'વાસુ ઓટો' અને ચાંદલોડિયાની 'ઓટો ગેસ'નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પશ્ચિમ વિસ્તારમાં તંત્રએ લાલ આંખ કરતા ગોતામાં આવેલી જાણીતી ફૂડ ચેઈન 'બેલ્જિયમ વોફલ' અને બોડકદેવ વિસ્તારમાં પણ એક એકમને ગંદકીના મુદ્દે સીલ મારી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી વિસ્તારના અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જાહેર સ્વચ્છતાના ભંગ બદલ તંત્રની કડક કાર્યવાહી

AMCના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ગંદકી કરતા એકમો સામે આગામી દિવસોમાં પણ તપાસ ચાલુ રહેશે. નોટિસ ફટકારાયેલા એકમોને નિયત સમયમર્યાદામાં સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી છે, અન્યથા તેમની સામે પણ સીલિંગ અને ભારે દંડની કાર્યવાહી થઈ શકે છે. કોર્પોરેશન દ્વારા નાગરિકો અને વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના પરિસરની સ્વચ્છતા જાળવી રાખે અને કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી 'ક્લીન સિટી' અભિયાનમાં સહયોગ આપે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: