અમદાવાદના વાસણા વિસ્તારમાં કાયદાના રક્ષક ગણાતા પોલીસકર્મીના પત્નીએ જ પતિના ત્રાસથી કંટાળીને મોતને વહાલ કર્યું છે. મૂળ જોધપુરની ગીતાબા રાજપુરોહિતે ગત 15મી એપ્રિલના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને પગલે મૃતક ગીતાબાના ભાઈએ તેમના બનેવી અને પોલીસકર્મી અર્જુનસિંહ પુરોહિત વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. 11 વર્ષના લગ્નજીવન બાદ પત્નીએ ભરેલા આ આત્યંતિક પગલાથી 10 વર્ષની દીકરી અને 7 વર્ષના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે.


માનસિક-શારીરિક ત્રાસનો આક્ષેપ

ફરિયાદમાં કરાયેલા આક્ષેપો મુજબ, વર્ષ 2013માં ગીતાબાના લગ્ન અર્જુનસિંહ સાથે થયા હતા. લગ્નના થોડા જ સમય બાદ અર્જુનસિંહે નાની-નાની બાબતોમાં ઝઘડા કરી ગીતાબાને માનસિક અને શારીરિક રીતે હેરાન કરવાનું શરૂ કર્યું હતું. પતિના સતત વધતા જતા ત્રાસ અને હેરાનગતિથી કંટાળીને ગીતાબાએ આખરે પોતાના જીવનનો અંત આણવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાથી રાજપુરોહિત સમાજ અને સ્થાનિક વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

ઘરમાંથી મળી આવી સુસાઈડ નોટ

ઘટનાની જાણ થતા જ વાસણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં આપઘાત પાછળના કારણોનો ઉલ્લેખ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે આ નોટ કબજે કરી તેને એફએસએલ (FSL) માં મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ ગંભીર પુરાવાના આધારે પોલીસે આરોપી પોલીસકર્મી અર્જુનસિંહ પુરોહિતની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી જ આ પ્રકારે ગુનામાં સંડોવાતા વિભાગની છબી પર પણ સવાલો ઉભા થયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: