શહેરના વ્યસ્ત માર્ગો પર વધતા જતા દબાણો અને તેને કારણે સર્જાતી ટ્રાફિકની જટિલ સમસ્યાઓને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ વિભાગે કમર કસી છે. નવા વર્ષની શરૂઆતમાં જ, એટલે કે 5 અને 6 જાન્યુઆરીના રોજ શહેરના તમામ 7 ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી હતી.


193 લારી-ગલ્લા જપ્ત કરાયા

એસ્ટેટ વિભાગની ટીમોએ શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોને આવરી લીધા હતા. ખાસ કરીને એસ.જી. હાઈવે, ગીતા મંદિર, કાલુપુર, અને માણેકચોક જેવા અતિ વ્યસ્ત વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ બે દિવસીય કામગીરી દરમિયાન, રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા 193 લારી-ગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા અને 312 જેટલી તાડપત્રીઓ દૂર કરી માર્ગો ખુલ્લા કરાયા હતા.

આડેધડ પાર્કિંગ કરનારા 405 વાહનોને લોક મારવામાં આવ્યા

શહેરની સુંદરતા બગાડતા અને વાહનચાલકોનું ધ્યાન ભટકાવતા 506 ગેરકાયદેસર જાહેરાત બોર્ડ કે બેનરો ઉતારી લેવામાં આવ્યા હતા.રોડ પર આડેધડ પાર્કિંગ કરનારા 405 વાહનોને લોક મારી દેવામાં આવ્યા હતા, જેનાથી ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત જોવા મળી હતી.

દંડની પણ વસૂલાત કરાઇ

માત્ર દબાણ હટાવવા પૂરતું મર્યાદિત ન રહીને, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક હાથે વહીવટી કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ બે દિવસીય મેગા ડ્રાઈવ દરમિયાન નિયમ ભંગ કરનારાઓ પાસેથી કુલ 2.44 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

જાહેર રસ્તાઓ પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ

AMC ની આ આક્રમક કાર્યવાહીથી ફૂટપાથ અને જાહેર રસ્તાઓ પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવાના સંકેત આપવામાં આવ્યા છે. જેથી અમદાવાદીઓને ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી છુટકારો મળી શકે.

આ પણ વાંચોઃ Navsari News : નવસારીના વિજલપોર પોલીસ મથકના કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ, 2.75 લાખની કરી હતી માગણી


  • Follow us on: