અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામાંથી ખેડૂતોની ચિંતામાં વધારો કરતા સમાચાર સામે આવ્યા છે. દેત્રોજ તાલુકાના કોઇન્તિયા ગામમાં આવેલી માઇનોર કેનાલ અચાનક ઓવરફ્લો થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. આ પાણી કેનાલની આસપાસ આવેલા ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાની ભીતિ સેવાઈ રહી છે.


ખેતરો બન્યા બેટ, ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ઘટનાની મળતી માહિતી અનુસાર, કોઇન્તિયા ગામની માઇનોર કેનાલમાં પાણીની આવક વધવાને કારણે અથવા અન્ય ટેકનિકલ ખામીને લીધે કેનાલ ઓવરફ્લો થઈ હતી. કેનાલના ધસમસતા પાણી સીધા ખેતરોમાં ઘૂસી ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ, 3 વીઘાથી વધુ જમીનમાં કેનાલના પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે વાવેતર કરેલા પાક પર પાણી ફરી વળ્યું છે, જેનાથી ખેડૂતોને આર્થિક ફટકો પડવાની શક્યતા છે.

પાણીનો વેડફાટ અને વહીવટી તંત્ર સામે સવાલ

એક તરફ જ્યાં ખેતી માટે પાણીની જરૂરિયાત હોય છે, ત્યાં બીજી તરફ કેનાલ ઓવરફ્લો થવાને કારણે પાણીનો પણ મોટો વેડફાટ થયો છે. સ્થાનિક ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, જો સમયસર કેનાલનું વ્યવસ્થાપન કરવામાં આવ્યું હોત અથવા પાણીના વહેણ પર નિયંત્રણ રાખવામાં આવ્યું હોત, તો આ સ્થિતિ ટાળી શકાઈ હોત.




હાલમાં પાણી ખેતરમાં ભરાઈ રહેવાને કારણે જમીનનું ધોવાણ અને પાક સડવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. તંત્ર દ્વારા આ મામલે સત્વરે પગલાં લેવામાં આવે અને જે ખેડૂતોને નુકસાન થયું છે, તેમને યોગ્ય વળતર મળે તેવી માગ ઉઠી રહી છે.


આ પણ વાંચો - Ahmedabad News : પોલીસ કમિશનરની લાલ આંખ, નિયમ તોડનારા 1330 સરકારી કર્મચારીઓ દંડાયા, પોલીસકર્મીઓ પણ ન બચ્યા!


  • Follow us on: